સોનું ચમકાવવાના બહાને કરોડોની છેતરપિંડી! જાણો કઈ રીતે ઘરે બેઠા સોનું ચોરી લે છે ગઠિયા?
જો તમે પણ સોના-ચાંદીના ઘરેણાં કે પૂજાની મૂર્તિઓ સાફ કરાવવા માટે ઘરે-ઘરે ફરતા ફેરિયાઓ કે અજાણ્યા લોકો પર ભરોસો કરો છો, તો ચેતી જવાની જરૂર છે. ઘરેણાંને ચમકાવવાના નામે સોનાની ચોરી કરવાનો એક મોટો ખેલ ચાલી રહ્યો છે, જેમાં માત્ર ગણતરીની મિનિટોમાં તમારા કિંમતી સોનાનો મોટો હિસ્સો ગાયબ થઈ જાય છે. સાફ થયા પછી ઘરેણું નવું અને ચમકદાર દેખાય છે, પરંતુ તેનું અસલી વજન ઘટી ચૂક્યું હોય છે.
તાજેતરમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે બિહાર સાથે સંકળાયેલી આવી જ એક શાતિર ગેંગના ૪ સભ્યોની ધરપકડ કરી છે. આ આરોપીઓ ગ્રામીણ વિસ્તારોમાં ફિનાઈલ અને પાવડર વેચવાના બહાને ઘરોમાં ઘૂસતા અને મહિલાઓને વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના ઘરેણાં સાફ કરવાના નામે છેતરપિંડી આચરતા હતા.
કેવી રીતે શરૂ થાય છે છેતરપિંડીનો ખેલ?
આરોપીઓ સીધા સોનાની વાત કરતા નથી. તેઓ પહેલાં ફિનાઈલ કે સાફ-સફાઈની સામગ્રી વેચવાના બહાને ઘરમાં પ્રવેશે છે. વાતચીત દરમિયાન તેઓ ઘરના લોકોને ભરોસો આપે છે કે તેમને જૂની મૂર્તિઓ અને ઘરેણાં સાફ કરવાનો બહોળો અનુભવ છે. ગઠિયા પહેલાં ભગવાનની પીતળ કે તાંબાની મૂર્તિ અથવા ચાંદીનો સિક્કો સાફ કરીને બતાવે છે. મૂર્તિ ચમકી જતાં ઘરના સભ્યોનો વિશ્વાસ જીતી લે છે અને ત્યાર બાદ સોનાના દાગીના સાફ કરવાની લાલચ આપે છે.
કેમિકલનો ખેલ: ચમક વધે પણ સોનાનું વજન ઘટી જાય!
દ્વારકા પોલીસે આરોપીઓ પાસેથી એસિડ, ફિનાઈલ, ખાસ પાવડર, હળદર, ફટકડી અને બ્રશ જપ્ત કર્યા હતા. ઘરેણાં પર જામેલી ગંદકી દૂર કરવાના બહાને તેઓ ખાસ કેમિકલવાળા પાણીમાં દાગીના નાખે છે. આ કેમિકલ સોનાના ઉપરના સ્તરને ઓગાળીને પાણીમાં ભેળવી દે છે.
દાગીનો બહાર કાઢતાં જ તે એકદમ નવો અને ચમકતો દેખાય છે, જેથી તાત્કાલિક કોઈને શંકા જતી નથી. પરંતુ વાસ્તવમાં છ ગ્રામ કે 10 ગ્રામના દાગીનામાંથી અમુક ગ્રામ સોનું કેમિકલના પ્રવાહીમાં ઓગળીને ચોરાઈ ગયું હોય છે. જ્યારે પરિવારને ખ્યાલ આવે છે ત્યાં સુધીમાં ઠગ ફરાર થઈ ચૂક્યા હોય છે.
ગ્રામીણ અને એકલવાયા ઘરોને બનાવે છે સરળ શિકાર
આ ગેંગ ખાસ કરીને એવા ઘરોને ટાર્ગેટ કરે છે જ્યાં બપોરના સમયે મહિલાઓ કે વૃદ્ધો એકલા હોય. ગામડાઓમાં જ્વેલરી શોપ દૂર હોવાથી લોકો ઘરબેઠા ઘરેણાં ચમકાવવાની લાલચમાં આવી જાય છે અને આ ગઠિયાઓનો શિકાર બની બેસે છે.
સોનાની સફાઈ કરાવતી વખતે આ બાબતોની ખાસ કાળજી રાખો
સોના-ચાંદીના દાગીનાની સફાઈ હંમેશા વિશ્વાસપાત્ર અને જાણીતા જ્વેલર્સ પાસે જ કરાવો.
દાગીનો આપતાં પહેલાં તેનું ચોક્કસ વજન કરાવો અને સફાઈ થઈ ગયા પછી તમારી સામે જ ફરીથી વજન કરાવીને ચકાસણી કરો.
જો કોઈ વ્યક્તિ સફાઈ દરમિયાન તમને દાગીનાથી દૂર રાખવાનો પ્રયાસ કરે કે વધારે પડતી ઉતાવળ કરે, તો તરત જ સાવચેત થઈ જાવ અને પોલીસને જાણ કરો.
