September 3, 2026
ગુજરાતહોમ

મફતમાં તાલીમ, રહેવાનું ફ્રી અને ૧૦ હજારથી વધુનો પગાર! શું તમે મેળવ્યો DDU-GKY યોજનાનો લાભ?

Spread the love

આત્મનિર્ભર બનતા રાજ્યના યુવાનો: લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર સહિતના ક્ષેત્રે રોજગારીની નવી ક્ષિતિજો ખુલી

૪૦થી વધુ ક્ષેત્રોમાં વિનામૂલ્યે કૌશલ્ય વર્ધક તાલીમ સાથે રહેવા-જમવાની-મુસાફરી ભથ્થાની વિશેષ સુવિધા

રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસતા યુવાધનને પગભર કરવા માટે કાર્યરત ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ દર મહિને લઘુત્તમ રૂ. ૧૦,૦૦૦ના પગાર સાથે રોજગારીની તક પૂરી પાડતી આ યોજના થકી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦ માર્ચ, ૨૦૨૬ સુધીમાં રાજ્યના ૧૮થી ૩૫ વર્ષની વયજૂથના ૧,૨૬૮થી વધુ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને સફળતાપૂર્વક રોજગારી સાથે જોડવામાં આવ્યા છે, જેમાં મહિલા ઉમેદવારોની ભાગીદારી વિશેષ અને નોંધપાત્ર રહી છે.

૧૨ મહિના સુધી ટેકનિકલ માર્ગદર્શન
આ યોજના માત્ર નોકરી અપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ યુવાનો કાર્યક્ષેત્રમાં સ્થિર થઈ શકે તે માટે નોકરી મેળવ્યા બાદ પણ ૧૨ મહિના સુધી તેમને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવે છે.

વિવિધ ૪૦થી વધુ સેક્ટરમાં તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં રાજ્યમાં ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ’ (GLPC) દ્વારા આ યોજનાનું સફળ સંચાલન થઈ રહ્યું છે. યોજના હેઠળ ૪૦થી વધુ ‘સેક્ટર સ્કિલ કાઉન્સિલ’ (SSC) માન્ય ક્ષેત્રોમાં તાલીમ અપાય છે. જેમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર ટેકનોલોજી, BPO, વેબ ડિઝાઇનિંગ અને ઇલેક્ટ્રિશિયન જેવા બજારની માંગ આધારિત કોર્સનો સમાવેશ થાય છે.

તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક
રેસિડેન્શિયલ તાલીમાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે બિન-નિવાસી તાલીમાર્થીઓને દર ૧૫ દિવસે મુસાફરી ભથ્થું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) મારફતે ચૂકવાય છે. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને યુનિફોર્મ, ટેબ્લેટ, ID કાર્ડ અને અભ્યાસ સામગ્રી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. યોજનામાં SC, ST, લઘુમતી, મહિલાઓ અને દિવ્યાંગ તાલીમાર્થીઓને વિશેષ પ્રાથમિકતા અપાય છે.

‘DDU-GKY’ એ મારી જેવી ગ્રામીણ યુવતીને નવી દિશા મળી
મહીસાગર જિલ્લાના કાકરિયા ગામના દક્ષાબેન ડામોર માટે DDU-GKY યોજના જીવન બદલનારી સાબિત થઈ છે. પાંચ ભાઈ-બહેનોના પરિવારમાં આર્થિક તંગી વચ્ચે જીવન ગુજારતા દક્ષાબેનને સહેલી મારફતે આ યોજનાની જાણ થઈ હતી.

યોજના હેઠળ વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે તેમણે ‘રીટેલ સેલ્સ એક્ઝિક્યુટિવ’, ‘કમ્પ્યુટર-IT’ અને ‘સોફ્ટ સ્કિલ્સ’ની સઘન તાલીમ મેળવી. તાલીમ પહેલાં અંગ્રેજી કે હિન્દી બોલવામાં અચકાતા દક્ષાબેન આજે આત્મવિશ્વાસપૂર્વક હિન્દી અને અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, “આ યોજનાએ મારા જેવી અંતરિયાળ વિસ્તારની યુવતીને આત્મનિર્ભર બનવાની સોનેરી તક આપી છે.”

માહિતી ક્યાંથી મેળવવી?
યોજનાનો લાભ લેવા ઇચ્છુક ગ્રામીણ યુવક-યુવતીઓ પોતાની તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)નો સંપર્ક કરી શકે છે. વધુ વિગતો માટે વેબસાઇટ kaushal.rural.gov.in અથવા glpc.co.in પર માહિતી મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!