હોટેલ રૂમમાં પ્રવેશતાં જ પહેલાં ચેક કરો આ બાબતો, ટુ-વે મિરર અને હિડન કેમેરા ઓળખવાની સરળ રીત…
વેકેશન કે બિઝનેસ ટૂર દરમિયાન હોટેલમાં રોકાણ સામાન્ય બાબત છે, પરંતુ ઘણીવાર હોટેલ રૂમમાં બેદરકારી રાખવાથી પ્રાઈવસી અને સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. રૂમની ચાવી મળ્યા પછી સીધા આરામ કરવાને બદલે થોડી મિનિટો કાઢીને કેટલીક પાયાની બાબતો ચકાસી લેવી ખૂબ જરૂરી છે. હોટેલ રૂમમાં પ્રવેશતાં જ કઈ મહત્વપૂર્ણ બાબતોની તપાસ કરવી જોઈએ તે ચાલો જાણીએ…
હિડન કેમેરા સ્કેનિંગ
રૂમમાં પ્રવેશતા જ સ્મોક ડિટેક્ટર, ટીવી ફ્રેમ, પાવર સોકેટ્સ, એસી વેન્ટ્સ, એલાર્મ ક્લોક અને બાથરૂમના મિરર (અરીસા) ની બારીકાઈથી તપાસ કરો. રૂમની લાઈટ્સ બંધ કરીને મોબાઈલ ટોર્ચ અથવા ફ્લેશલાઈટથી તપાસો કે ક્યાંય કોઈ શંકાસ્પદ લેન્સ તો ચમકતો નથી ને.
ટુ-વે મિરર ટેસ્ટ
બાથરૂમ કે બેડરૂમના અરીસા પર તમારી આંગળીની ટોચ ટેકવો. જો તમારી આંગળી અને તેના પ્રતિબિંબ વચ્ચે થોડી ખાલી જગ્યા દેખાય, તો તે સાચો અરીસો છે. પરંતુ જો આંગળી અને પ્રતિબિંબ વચ્ચે બિલકુલ જગ્યા ન રહે અને બંને સીધા અડી જાય, તો તે ‘ટુ-વે મિરર’ હોઈ શકે છે.
બેડશીટ્સ, ગાદલાં અને ટુવાલની સ્વચ્છતા
ગાદલાની ચાદર (બેડશીટ), ઓશીકાના કવર અને રજાઈ ઉઠાવીને જુઓ કે તે તાજી ધોયેલી છે કે નહીં. બેડબગ્સ (માંકડ) કે ડાઘ-ધબ્બા છે કે નહીં તે ખાસ ચકાસો. બાથરૂમમાં રાખેલા ટુવાલ સાફ અને સીલબંધ છે તેની ખાતરી કરો.
દરવાજા અને બારીઓના લોક
રૂમનો મુખ્ય દરવાજો અંદરથી બરાબર લોક થાય છે કે નહીં અને વધારાની સેફ્ટી લેચ (Safety Latch/Deadbolt) યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચેક કરો. બાલ્કની કે વિન્ડો સ્લાઈડિંગ લોક પણ બરાબર હોવા જરૂરી છે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને પ્લમ્બિંગ
એસી, ટીવીનું રિમોટ, ગીઝર, ફ્રીજ અને સ્વિચ બોર્ડ ચાલુ છે કે નહીં તે ચકાસો. બાથરૂમમાં નળ કે ફ્લશ લીક થતું હોય તો તાત્કાલિક રિસેપ્શનને જાણ કરીને રૂમ બદલવા કહો.
ઇમરજન્સી એક્ઝિટ અને હેલ્પલાઇન
દરવાજાની પાછળ લાગેલા ઇવેક્યુએશન મેપ (Evacuation Map) પર નજર નાખી લો જેથી આગ કે આપત્તિ વખતે નજીકનો ઈમરજન્સી એક્ઝિટ રસ્તો ખબર રહે. સાથે જ ઇન્ટરકોમ ફોન પર ‘0’ કે ‘9’ ડાયલ કરીને તપાસો કે રિસેપ્શન સાથે કનેક્ટ થાય છે કે નહીં.
