વડોદરા-જરોદ હાઈવે પર કાળમુખો અકસ્માત: લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી, 6નાં મોત અને 20 ઘાયલ
કોટંબી ગામ નજીક વહેલી સવારે સર્જાયો ભીષણ અકસ્માત; બસનો કુરચો બોલી ગયો

વડોદરાઃ વડોદરા-જરોદ રોડ આજે વહેલી સવારના ભીષણ રોડ અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે 20 પ્રવાસી ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી લકઝરી બસ જરોદના કોટંબી ગામ નજીક હાઈવે પર એક ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત વખતે મોટા ભાગના પ્રવાસી ઊંઘમાં હતા, જે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ અકસ્માત સવારના ચાર વાગ્યાની આસપાસ થયો હતો. બંને વાહન વચ્ચે જોરદાર ટક્કર વાગી હતી કે બસનો આગળ ભાગ ફુરચો બોલી ગયો હતો. અકસ્માતની જાણ પછી પોલીસ અને અન્ય એજન્સી ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે પ્રાથમિક કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટ્રકના ડ્રાઈવરે કહ્યું હતું કે મને મારા ટ્રકના વ્હિલમાં હવા ઓછી હોવાનું ધ્યાન ગયા પછી સાઈડમાં પાર્ક કરીને તપાસ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી લકઝરી બસે ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં અનેક લોકો ફસાયા હતા. ઘટનાસ્થળે થયેલા ગંભીર અકસ્માતની જાણ પછી બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને પણ રવાના કરવામાં આવી હતી. તમામ પીડિતોને બહાર કાઢવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે હાઈવે પર લગભગ પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ લાગ્યો હતો, જ્યારે આ કેસમાં તપાસ માટે પોલીસની સાથે અન્ય ટીમ પણ જોડાઈ છે. બસના અકસ્માતનો ભોગ બનનારા મોટા ભાગના રાજસ્થાનના રહેવાસી છે, એમ પોલીસ અધિકારીે જણાવ્યું હતું.
આ અગાઉ પણ વડોદરામાં અકસ્માતો થયા છે. આ વર્ષે 31 જાન્યુઆરીમાં બામણગામ પાટિયા નજીક ખાનગી લકઝરી બસ ટ્રકને ટકરાઈ હતી, જેમાં બસ ડ્રાઈવરનું મોત થયું હતું, જ્યારે 20 પ્રવાસીને ઈજા પહોંચી હતી. એના સિવાય અમરેલીથી સુરત જઈ રહેલી લકઝરી બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રક સાથે ટકરાઈ હતી. બંને વચ્ચેની ભીષણ ટક્કરને કારણે બસનો આગળનો ભાગ ભુક્કો બોલાઈ ગયો હતો, જેમાં બસ અને ડ્રાઈવર ફસાઈ ગયા હતા, જે અકસ્માત નેશનલ હાઈવે 48 પર થયો હતો.
