વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ: લક્ષણો ઓળખો અને સમયસર સારવારથી જીતો આ જંગ
‘જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ’: GCRIમાં ઉપલબ્ધ અદ્યતન ટેક્નોલોજીથી બ્રેઈન ટ્યુમરની સચોટ સારવાર શક્ય
લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે ૮ જૂનને વિશ્વભરમાં ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ અવસરે સરકારે નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા ખાસ અપીલ કરી છે. બ્રેઈન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે, અદ્યતન તબીબી વિજ્ઞાનના કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. આથી, સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને ત્વરિત સારવાર જ દર્દીનો જીવ બચાવી શકે છે.
અમદાવાદની ‘GCRI’ હોસ્પિટલની સુવિધાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અહીં કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે, પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી.
GCRIના નિયામક ડૉ. શશાંક પંડ્યાએ વિગતો આપતા જણાવ્યું કે, સંસ્થા ખાતે છેલ્લા પાંચ વર્ષમાં બ્રેઈન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૧ માં ૨૭૯, ૨૦૨૨ માં ૨૭૫, ૨૦૨૩ માં ૨૭૩, ૨૦૨૪ માં ૨૪૮ અને વર્ષ ૨૦૨૫ માં ૨૫૨ કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
નિયામકએ હોસ્પિટલની વૈશ્વિક સ્તરની સુવિધાઓની વિગતો આપતા જણાવ્યું કે, GCRI ખાતે દર્દીઓ અદ્યતન રેડિયોથેરાપી સુવિધાઓ ‘સાયબરનાઇફ’ CyberKnife જેવી વિશ્વસ્તરીય અને અત્યાધુનિક રેડિયોસર્જરી Stereotactic Radiosurgery તેમજ રેડિયોથેરાપી ટેક્નોલોજી ઉપલબ્ધ છે. ખાસ નોંધનીય છે કે CyberKnife એ કોઈ સર્જિકલ (વાઢકાપ કરવાનું) મશીન નથી, પરંતુ અત્યંત ચોકસાઈપૂર્વક રેડિયેશન આપતી એક અદ્યતન સારવાર પદ્ધતિ છે. તે બ્રેઈન ટ્યુમર સહિત વિવિધ ન્યુરોલોજિકલ અને ઓન્કોલોજીકલ (કેન્સર સંબંધિત) રોગોની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. આ ટેક્નોલોજીની મદદથી આસપાસના સ્વસ્થ મગજના ભાગને ન્યૂનતમ નુકસાન પહોંચાડીને અત્યંત અસરકારક સારવાર આપી શકાય છે.
બ્રેઈન ટ્યુમર: બ્રેઈન ટ્યુમર મુખ્યત્વે પ્રાયમરી બ્રેઈન ટ્યુમર, પ્રાયમરી સ્પાઈનલ ટ્યુમર અને મેટાસ્ટેટિક ટ્યુમર – શરીરના અન્ય અંગોમાંથી મગજમાં ફેલાતી ગાંઠ જેવા પ્રકારો ધરાવે છે. તેના માટે મુખ્યત્વે આનુવંશિક પરિવર્તન, વારસાગત કૌટુંબિક ઇતિહાસ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને હાઈ-ડોઝ રેડિયેશન એક્સપોઝર જવાબદાર હોઈ શકે છે.
મુખ્ય લક્ષણો
* સતત અને અસહ્ય માથાનો દુખાવો – જે ઘણીવાર સવારના સમયે અથવા સૂતી વખતે વધુ ગંભીર હોય છે.
* અચાનક ખેંચ (Seizures) આવવી – મગજમાં થતી અનિયંત્રિત વિદ્યુત વિક્ષેપની સ્થિતિ.
* યાદશક્તિ અને એકાગ્રતાની સમસ્યાઓ તેમજ માનસિક મૂંઝવણ.
* દ્રષ્ટિ અથવા શ્રવણ શક્તિમાં ફેરફાર – ઝાંખી દ્રષ્ટિ, એક વસ્તુના બે દેખાવા-ડબલ વિઝન અથવા સાંભળવાની શક્તિ ઓછી થવી.
* ઉબકા અને ઉલટી – જે મગજની અંદર વધતા દબાણને કારણે થાય છે.
* શરીરની એક બાજુએ નબળાઈ કે નિષ્ક્રિયતા – Numbness અનુભવવી અથવા ચાલવામાં સંતુલન ગુમાવવું.
