October 12, 2026
ગુજરાત

ગુજરાત ઔદ્યોગિક નીતિ: 268 તાલુકાનું નવું વર્ગીકરણ જાહેર, જાણો તમારા તાલુકાને શું મળશે લાભ?

Spread the love

કેટેગરી-A અને B હેઠળ 34 જિલ્લાના તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ, MSMEs, ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ અને નવા ઉદ્યોગસાહસિકો માટે રોકાણની મોટી તકો

ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા અને વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ તાલુકાઓનું સુધારેલું વર્ગીકરણ જાહેર કર્યું છે. આ વર્ગીકરણમાં રાજ્યના કુલ 268 તાલુકાઓમાંથી 130 તાલુકાઓને કેટેગરી-A અને 138 તાલુકાઓને કેટેગરી-Bમાં સમાવાયા છે. આ વર્ગીકરણ રાજ્યના 34 જિલ્લાઓને આવરી લે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ વર્ગીકરણમાં રાજ્યમાં નવા તાલુકાઓની રચના અને નવી ઔદ્યોગિક નીતિને ધ્યાનમાં લેવામાં આવી છે.

ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહનો અંગે સ્પષ્ટતા
નવા વર્ગીકરણથી નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા અથવા હાલના એકમોનું વિસ્તરણ કરવા ઇચ્છતા ઉદ્યોગસાહસિકોને પોતાના પ્રોજેક્ટના સ્થળ પ્રમાણે લાગુ પડતી કેટેગરી અને પ્રોત્સાહન યોજનાઓની જોગવાઈઓ સમજવામાં સરળતા રહેશે. પ્રોત્સાહનોનો લાભ સંબંધિત યોજનાની પાત્રતા, નિયમો અને શરતોને આધીન રહેશે.

નીતિમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો તથા પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટવોટર રિસાયક્લિંગ, સ્વચ્છ ઉત્પાદન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ પણ નીતિનો ભાગ છે. તાલુકાઓના સુધારેલા વર્ગીકરણથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા અને સંતુલિત ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટેનું માળખું વધુ સ્પષ્ટ બનશે.

પ્રસ્તાવિત સુધારેલું વર્ગીકરણ ગુજરાતના તમામ ૩૪ જિલ્લાને આવરી લે છે અને “વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” (Viksit Gujarat Industrial Policy-2026)ના અમલીકરણનો એક ભાગ છે. ૧ જૂનથી અમલમાં આવેલી આ નીતિ, ગુજરાતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા અને સતત (સસ્ટેનેબલ) વિકાસને ટેકો આપવાના હેતુથી બનાવવામાં આવેલું પાંચ વર્ષનું માળખું છે.
તે એક ફ્લેક્સિબલ પ્રોત્સાહક માળખું રજૂ કરે છે, જેના હેઠળ પાત્રતા ધરાવતા વ્યવસાયો લાગુ પડતી શરતોને આધીન રહીને મૂડી (કેપિટલ), વ્યાજ અને વીજળીના દર (પાવર ટેરિફ) પરની સબસિડીના સંયોજનની પસંદગી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!