હેકર્સે ફ્રિજને બનાવ્યા ઓવન! યુરોપના 4 દેશોમાં સેંકડો સ્માર્ટ ફ્રિજ હેક: જાણો કેવી રીતે લાગી આગ?
કમ્પ્યુટર–મોબાઈલ પછી હવે કિચન એપ્લાયન્સ પર હેકર્સની નજર: ફ્રાન્સ અને યુરોપની મોટો સુપરમાર્કેટોમાં 50°C તાપમાન વધારીને મચાવ્યો ભારે ઉત્પાત
અત્યાર સુધીમાં કમ્પ્યુટર કે મોબાઈલ હેક કરવાના અહેવાલો મળતા હતા, પરંતુ યુરોપમાં ફ્રિજ હેક કરવાના અહેવાલને લઈ ખળભળાટ મચી ગયો છે. ફ્રાન્સના હેકરોએ પહેલા એક સુપરમાર્કેટ સિસ્ટમને હેક કરી નાખી હતી અને એના પછી રાતોરાત ત્યાં રાખેલા ફ્રિજનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસથી વધારી દીધું હતું. હેકિંગના બનાવને કારણે અલગ અલગ સુપરમાર્કેટમાં લગભગ 150 ફ્રિજમાં આગ લાગી હતી. પેરિસ સ્થિત એક યુનિટના અધિકારીએ કહ્યું હતું કે હેકરને કારણે ફ્રાન્સના મુખ્ય ફૂડ હોલસેલ વિક્રેતાઓને ત્યાં રાખેલા કનેક્ટેડ રેફ્રિજરેટરને અસર થઈ હતી.
6 કલાક સુધી ફ્રિજ 50 ડિગ્રીએ તપ્યા
સ્થાનિક મીડિયાના અનુસાર ફ્રાન્સના વડા પ્રધાન કાર્યાલયે પણ તપાસના આદેશ આપ્યા છે. ફ્રાન્સે એના માટે યુરોપના અનેક દેશોનો સંપર્ક સાધ્યો છે. ધ ગાર્જિયન ઈન્ટરમાર્ચે રિટેલરની માલિકીની કંપની લેસ મોસ્કેટિયર્સે જણાવ્યું છે કે તમામ ફ્રિજ લગભગ છ કલાક સુધી પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહ્યું હતું.
આ હેકર્સે ફ્રાન્સના છ સુપરમાર્કેટને નિશાન બનાવ્યા હતા, જેમાં કેરફોર, મોનોપ્રિક્સ, ઔચન, ઈન્ટરમાર્ચે, ઈ-લેક્લર્કનો સમાવેશ થાય છે. ઈ-લેક્લર્ક ફ્રાન્સની સૌથી મોટી સુપરમાર્કેટ કંપની છે, જ્યારે અનેક સુપરમાર્કેટ કંપનીઓએ મૌન સેવી રહી છે.
ફ્રિજને કઈ રીતે હેક કરવામાં આવ્યા
હેકર્સે સુપરમાર્કેટ સિસ્ટમને હેક કરી એનાથી અનેક સ્ટોરમાં રાખેલા રેફ્રિજરેશન સિસ્ટમને બળજબરીપૂર્વક ડીફ્રોસ્ટ કરવામાં સફળતા મળી હતી અને એના પછી ફ્રિજનું તાપમાન ઝડપથી વધવા લાગ્યું હતું અને જોતજોતામાં સેંકડો ફ્રિજનું તાપમાન પચાસ ડિગ્રીથી વધી ગયું હતું. હેકરની યોજના તો ફ્રિજને ઓવન બનાવવાની હતી.
કંપનીઓની તમામ કોશિશ કરવા છતાં રેફ્રિજરેશન સિસ્ટમ લગભગ છ કલાક સુધી હેકરના નિયંત્રણમાં રહી હતી, જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ફૂડને બહાર ફેંકવું પડ્યું હતું. દરમિયાન ડેનમાર્કની કંપની ડેનફોર્સે જણાવ્યું હતું કે જે ફ્રિજ હેક થયા છે તે જૂના ફર્મવેર પર ચાલી રહ્યા હતા. અગાઉ કંપનીએ પણ તમામ ગ્રાહકોને એલર્ટ પણ કર્યાં હતા.
