UPI પેમેન્ટ હવે મોંઘું થશે? MDR ચાર્જ સામે 76 ટકા ગ્રાહકોનો સ્પષ્ટ ઇનકાર, વેપારીઓનો સખત વિરોધ!
વેપારી સંગઠનોની MDR ચાર્જ પાછો ખેંચવાની અને વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ ન નાખવાની માંગઃ સંગઠનની અપીલ

મુંબઈ: સરકારે યુપીઆઈ પર વેપારીઓ પાસેથી 0.4 ટકા મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ લેવાની વાત કર્યા પછી ગુજરાત-મહારાષ્ટ્ર સહિદ દેશભરના વેપારીઓએ એનો વિરોધ કર્યો છે. એટલું જ નહીં, નાણા મંત્રાલયે પણ એના અંગે પુનવિચારણાર્થે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. એના મુંબઈ સ્થિત અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘે પણ સરકાર સમક્ષ વેપારીઓની મુશ્કેલીઓની સાથે ગ્રાહકો પણ એના ચાર્જ ચૂકવવા તૈયાર નહીં હોવાનં જણાવ્યું હતું.
અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ₹ 2,000થી વધુની વેપારી ચુકવણી પર UPI માટે પ્રસ્તાવિત 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ ચાર્જ ડિજિટલ પેમેન્ટ અને વેપાર બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
લોકલસર્કલ્સના દેશવ્યાપી સર્વે અનુસાર, 76 ટકા ગ્રાહકો ₹2,000થી વધુની ચુકવણી પર વધારાનો ચાર્જ ચૂકવવા તૈયાર નથી, જ્યારે માત્ર 14 ટકા ગ્રાહકો ચાર્જ લાગુ થવા છતાં UPIનો ઉપયોગ ચાલુ રાખવા તૈયાર છે. સર્વેમાં 41 ટકા વેપારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના ખિસ્સામાંથી MDR ચાર્જ ચૂકવવા ઇચ્છતા નથી.
ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને સફળ બનાવવા માટે ગ્રાહકો અને વેપારીઓ, બંનેનો વિશ્વાસ જાળવવો જરૂરી છે. સરકારે એવો ઉકેલ લાવવો જોઈએ, જેથી ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધતો રહે અને વેપારીઓ તથા ગ્રાહકો પર વધારાનો નાણાકીય બોજ પણ ન પડે.
UPIએ દેશમાં ડિજિટલ પેમેન્ટને લોકપ્રિય બનાવવામાં અને પારદર્શક વેપારને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં વધારાનો ચાર્જ લાગુ થવાથી ગ્રાહકો રોકડ અથવા કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરી શકે છે, જેના કારણે ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને નુકસાન થવાની આશંકા છે.
વેપારી સંગઠનોની મુખ્ય માંગણીઓ
. UPI પેમેન્ટ પર પ્રસ્તાવિત MDR ચાર્જ પાછો ખેંચવામાં આવે.
. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર બેંકો અને પેમેન્ટ સેવા પ્રદાતાઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપે.
. MDRના નામે ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારની વધારાની વસૂલાત અટકાવવા માટે સ્પષ્ટ નિયમો અને અસરકારક દેખરેખ વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
. વેપારીઓ, ખાસ કરીને નાના દુકાનદારો અને MSME પર વધારાનો આર્થિક બોજ નાખવામાં ન આવે.
