આઇફોન વારંવાર અટકી જાય છે? જાણો ફ્રીઝ થવાના ૪ કારણો અને તેને રીસ્ટાર્ટ કરવાની સરળ રીતો
આજના સમયમાં પ્રીમિયમ સ્માર્ટફોન ગણાતો આઇફોન (iPhone) પણ ઘણી વખત ચાલુ ઉપયોગ દરમિયાન અચાનક અટકી જાય છે. ટચસ્ક્રીન કામ કરવાનું બંધ કરી દે, કોઈ એપ વચ્ચે જ અટકી જાય કે પછી ફોન સ્વિચ-ઓફ પણ ન થાય આવી સમસ્યાઓથી યુઝર્સ પરેશાન થઈ જાય છે. મોટાભાગે લોકો તેને હાર્ડવેરની ગંભીર ખામી માની લે છે, પરંતુ વાસ્તવમાં આ સમસ્યા સામાન્ય બેકગ્રાઉન્ડ પ્રોસેસ, ફુલ સ્ટોરેજ કે આઉટડેટેડ સોફ્ટવેરને કારણે હોઈ શકે છે. જો તમારો આઇફોન પણ વારંવાર હેંગ કે ફ્રીઝ થઈ રહ્યો છે, તો તેના મુખ્ય કારણો અને તેને તાત્કાલિક રીસ્ટાર્ટ કરવાની સરળ રીતો અહીં સમજીએ.
આઇફોન વારંવાર હેંગ થવા પાછળના મુખ્ય કારણો
આઇફોનની ઇન્ટરનલ સ્ટોરેજ જ્યારે 90 ટકાથી વધુ ભરાઈ જાય છે, ત્યારે સિસ્ટમને કેશ (Cache) ડેટા, ટેમ્પરરી ફાઇલ્સ અને સિસ્ટમ ટાસ્ક ચલાવવા માટે પૂરતી જગ્યા મળતી નથી. તેના કારણે આખો ફોન સ્લો થઈ જાય છે અને ફ્રીઝ થવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં એકસાથે ભારે એપ્સનું ચાલવું, લો-બેટરી મોડ અથવા કોઈ સિસ્ટમ પ્રોસેસનું અધવચ્ચે અટકી જવું પ્રોસેસર પર ભાર વધારે છે, જેથી સ્ક્રીન રિસ્પોન્સ આપવાનું બંધ કરી દે છે.
કોઈ ખાસ ગેમિંગ, વિડિયો એડિટિંગ કે સોશિયલ મીડિયા એપ ખોલતાં જ ફોન હેંગ થતો હોય તો તે એપમાં રહેલો ‘બગ’ (Bug) અથવા આઇઓએસ સાથેની સુસંગતતાનો અભાવ જવાબદાર હોઈ શકે છે. આઉટડેટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં સિક્યુરિટી અને સ્ટેબિલિટી સંબંધિત ખામીઓ રહી જાય છે, જેનાથી એપ્સ ક્રેશ થાય છે.
સ્ક્રીન ફ્રીઝ થાય ત્યારે ‘ફોર્સ રીસ્ટાર્ટ’ (Force Restart) કેવી રીતે કરવું?
જો આઇફોનની ટચસ્ક્રીન બિલકુલ કામ ન કરી રહી હોય અને સાદી રીતે ફોન બંધ ન થઈ રહ્યો હોય, તો કોઈ પણ ડેટા ડિલીટ થયા વગર ફોનને ફોર્સ રીસ્ટાર્ટ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
. વોલ્યુમ અપ બટન: એકવાર દબાવીને તરત જ છોડી દો.
. વોલ્યુમ ડાઉન બટન: તરત જ એકવાર દબાવીને છોડી દો.
. સાઇડ બટન: તેને સતત દબાવી રાખો.
. એપલ લોગો: સ્ક્રીન પર એપલનો લોગો દેખાય એટલે સાઇડ બટન છોડી દો.
. ફોન આપોઆપ રીસ્ટાર્ટ થઈ જશે અને સામાન્ય રીતે કામ કરવા લાગશે.
આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાના સરળ ઉપાયો
. બિનજરૂરી એપ્સ અને ડેટા ક્લિયર કરો: ફોનમાંથી ઉપયોગમાં ન આવતી હેવી એપ્સ, ડુપ્લિકેટ ફોટા કે લાર્જ વીડિયોઝ ડિલીટ કરીને ઓછામાં ઓછી 10થી 15 ટકા સ્પેસ હંમેશાં ખાલી રાખો.
. નિયમિત iOS અપડેટ કરો: એપલ સમયાંતરે સોફ્ટવેર અપડેટ્સ બહાર પાડે છે, જેમાં બગ ફિક્સિસ અને બેટરી ઓપ્ટિમાઇઝેશન સામેલ હોય છે. તેથી હંમેશાં લેટેસ્ટ આઇઓએસ વર્ઝન જ વાપરો.
. એપ્સને અપ-ટૂ-ડેટ રાખો: એપ સ્ટોરમાં જઈને બધી એપ્સને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો જેથી કમ્પેટીબિલિટીની સમસ્યા ન સર્જાય.
