સવારે ઊઠતાં જ સતત છીંકો કેમ આવે છે? જાણો એલર્જિક રાયનાઇટિસના કારણો અને બચવાના અસરકારક ઉપાયો
ઘણા લોકોને સવારે ઊઠતાંની સાથે જ નાકમાં ખંજવાળ આવવા લાગે છે, આંખો લાલ થઈ જાય છે અને સતત છીંકો આવવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. ક્યારેક આવું બનવું સામાન્ય બાબત છે, પરંતુ જો દરરોજ સવારે આવી સમસ્યા થતી હોય તો તેને અવગણવી ન જોઈએ. મોટાભાગે આ સમસ્યા પાછળ એલર્જી અથવા આસપાસનું વાતાવરણ જવાબદાર હોય છે. યોગ્ય કાળજી અને થોડા સાવચેતીભર્યા પગલાંથી આ તકલીફમાંથી સરળતાથી રાહત મેળવી શકાય છે.
સવારે જ વધુ છીંકો આવવાનું મુખ્ય કારણ શું છે?
સવારની છીંકો પાછળનું સૌથી મોટું અને સામાન્ય કારણ એલર્જિક રાયનાઇટિસ છે. આ સ્થિતિમાં શરીર ધૂળના રજકણો કે સામાન્ય વસ્તુઓ સામે જરૂર કરતાં વધુ સંવેદનશીલ બનીને પ્રતિક્રિયા આપે છે. રાત્રે સૂતી વખતે આપણે ગાદલાં અને ઓશિકાના સંપર્કમાં રહીએ છીએ. તેમાં સૂક્ષ્મ ડસ્ટ માઇટ્સ રહેલા હોય છે જે મૃત ત્વચા પર નભે છે. રાત્રે શ્વાસ દ્વારા આ કણો અંદર જવાથી સવારે ઊઠતાં જ છીંકો ઊપડે છે. ઘરમાં પાળેલા પ્રાણીઓના વાળ, ફૂગ તેમજ સવારની ઠંડી કે સૂકી હવા નાકની અંદરની સંવેદનશીલ ત્વચાને ઉત્તેજિત કરે છે.
નોન-એલર્જિક રાયનાઇટિસ અને અન્ય પરિબળો
ઘણીવાર એલર્જી સિવાય હવામાનમાં આવતો અચાનક બદલાવ, તીવ્ર પરફ્યુમની સુગંધ, અગરબત્તી કે સિગારેટનો ધુમાડો અને પ્રદૂષણ પણ નાકમાં બળતરા પેદા કરે છે જેને નોન-એલર્જિક રાયનાઇટિસ કહેવાય છે. શિયાળામાં કે એસીના કારણે રૂમની હવા સૂકી થઈ જતાં નાકની અંદરનો ભેજ ઘટે છે.
કેટલાક દર્દીઓમાં એસિડ રિફ્લક્સના કારણે પણ સવારે નાક બંધ થવાની ફરિયાદ રહે છે. જો છીંકની સાથે આંખોમાં ખંજવાળ કે પાણી આવતું હોય તો તે એલર્જીના લક્ષણ છે. પરંતુ જો તાવ, ગળામાં દુખાવો અને શરીર તૂટતું હોય તો તે સામાન્ય શરદી-ખાંસી કે વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે છે.
બચવાના સરળ ઉપાયો
પથારીની સ્વચ્છતા: ચાદર અને ઓશિકાના કવર અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં ધોવાની ટેવ પાડો. જૂના ઓશિકા દર એકથી બે વર્ષે બદલી નાખો.
સૂકું કચરાપોતું ટાળો: બેડરૂમમાં સાવરણીથી સૂકો કચરો કાઢવાને બદલે ભીના પોતાથી સફાઈ કરો જેથી ધૂળ હવામાં ન ઊડે.
પાળેલા પ્રાણીઓને દૂર રાખો: જો ઘરમાં કૂતરા કે બિલાડી પાળેલા હોય તો તેમને સૂવાના ઓરડાથી દૂર રાખો.
સવારની બારીઓ બંધ રાખો: વહેલી સવારે બહાર પરાગરજ અને ધુમ્મસનું પ્રમાણ વધુ હોય ત્યારે બારીઓ થોડી વાર બંધ રાખો. જરૂર જણાય તો એર પ્યુરિફાયર વાપરી શકાય.
જો સવારની છીંકની સમસ્યા અઠવાડિયાઓ સુધી સતત ચાલુ રહે, ઊંઘમાં ખલેલ પહોંચતી હોય, શ્વાસ લેવામાં તકલીફ જણાય કે છાતીમાંથી સીટી જેવો અવાજ આવતો હોય, તો વિલંબ કર્યા વગર ઈએનટી અથવા એલર્જી નિષ્ણાતની સલાહ લેવી. જાતે કોઈ પણ દવા કે એન્ટિ-એલર્જિક ગોળીઓ શરૂ ન કરવી.
