ભારતમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા 1.29 અબજને પાર થઈ: ડિજિટલ ક્રાંતિ કે કોઈ મોટો ખતરો?
ટ્રાઈ (TRAI)ના નવા અહેવાલ મુજબ ભારતમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેમાં રિલાયન્સ જિયો નવા ગ્રાહકો જોડવામાં સૌથી આગળ
ભારતમાં મોબાઈલ ધરાવનારાની સંખ્યા દર મહિને નવા નવા રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે, જે આધુનિક જગતમાં પ્રવેશની સાથે પણ રેડ સિગ્નલ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેશમાં 55 લાખ નવા ગ્રાહક મોબાઈલ સાથે જોડાયા છે, જ્યારે જુલાઈના 1.28 અબજથી વધીને 1.29 અબજની સંખ્યા થઈ છે, જે ભારતની વસ્તીની નજીક પહોંચી રહી છે. એટલે પરિવાર અને વ્યક્તિ દીઠ મોબાઈલ વપરાશકર્તાની સંખ્યા પણ વધી રહી છે.
ગામડાની તુલનામાં શહેરોમાં જોરદાર વૃદ્ધિ
સરકારી આંકડાના હિસાબે જોવામાં આવે તો દેશમાં વાયરલેસ યૂઝર બેસની માસિક સંખ્યામાં 0.43 ટકાનો વધારો થયો છે. શહેરોમાં જોરદાર વધારો થઈ રહ્યો છે, જ્યારે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં મંદ વલણ છે. ટ્રાઈના રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનામાં શહેરોમાંથી મોબાઈલ વપરાશકર્તામાં વધારો થયો છે, જેમાં વાયરલેસ સબ્સ્ક્રાઈબરની સંખ્યા 0.70 ટકા વધીને 74.88 કરોડે પહોંચી ગઈ છે. એનાથી વિપરીત ગામડાની રફતાર મંદ પડી છે, જે 0.06 ટકા વધીને 54.45 કરોડે રહી છે. આ પણ સ્પષ્ટ સંકેત છે કે દેશના ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરોમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે.
જિયો નવા ગ્રાહકો આકર્ષવામાં મોખરે
નવા ગ્રાહકોને આકર્ષવામાં મોબાઈલ કંપનીમાં રિલાયન્સ જિયોએ ઓગસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જિયોએ એકલા 24 લાખ નવા ગ્રાહકોને પોતાના નેટવર્કમાં જોડયા હતા, જ્યારે બીજા ક્રમે ભારતી એરટેલનો નંબર હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે કૂલ જોડવામાં આવેલા નવા ગ્રાહકોમાંથી 45 લાખથી વધુ યૂઝર્સ ફક્ત જિયોના હતા, જ્યારે બીજા એરટેલના હતા. એના પછી વોડાફોન, બીએસએનએલમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રી માટે સારા સંકેતો
મોબાઈલ યૂઝર્સની સંખ્યા નિરંતર નવા નવા મુકામે પહોંચી રહી છે. જુલાઈમાં કૂલ 1.35 અબજની તુલનામાં કૂલ ટેલિફોન કનેક્શન 0.47 ટકા વધીને 1.36 અબજની સપાટીએ પહોંચી છે. વાયરલાઈન સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી રહી છે, જેમાં 0.93 ટકા વધીને કૂલ 4.84 કરોડ સુધી પહોંચી છે. ટેલિ ડેન્સિટી જુલાઈના 94.68 ટકાથી વધીને ઓગસ્ટમાં 95.07 ટકાએ પહોંચ્યું છે. જોકે ઓગસ્ટ મહિનામાં ભારતીય ટેલિકોમ ઈન્ડસ્ટ્રી માટે શાનદાર વિસ્તરણ અને મજબૂતાઈના સંકેતો આપ્યા છે એ સ્પષ્ટ છે. મોબાઈલ યૂઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ચોંકાવનારી વસ્તુ એ છે કે ધીમે ધીમે ગ્રાહકની જરુરિયાત બની રહે છે, જે રેડ સિગ્નલ છે.
