August 3, 2026
ગુજરાત

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે છોડાશે પાણી, સરકારનો મોટો નિર્ણય

Spread the love

ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; 11 જૂનથી નહેરોમાં પાણી છોડાશે, વાવણીમાં મોટી રાહત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યઓ અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મૂકેશ પૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ભગદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વખતે જૂન મહિનાના દસ દિવસ વીતી ગયા છે, પરંતુ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું નથી, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ લંબાઈ જાય તો ખેડૂતોને વાવણી કરવા માટે જરુરી પાણી નહીં મળવાથી મુશ્કેલીમાં મૂકાઈ શક્યા હોત, પરંતુ સરકારના નિર્ણયથી ફાયદો થઈ શકે છે. ખેડૂતોની રજૂઆતોને લઈ મુખ્યમંત્રીએ તરત નિર્ણય લઈને સંબંધિત અધિકારીઓને ગુરુવાથી પાણી છોડવાની કડક સૂચના આપી છે. સરકારે લીધેલા નિર્ણયથી આ વર્ષે રાજ્યમાં કૃષિ ઉત્પાદન વધવાની પણ ઉજ્જવળ સંભાવનાઓ રહે છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી વાવણી કરવા સજ્જ થયેલા ખેડૂતોને માટે સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા છે.

અહીં એ જણાવવાનું કે નર્મદા નદી ભારતની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે, જે મધ્ય પ્રદેશના અમરકંટકમાંથી ઉત્પન્ન થઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહેતી અગળ વધી અરબી સમુદ્રમાં મળે છે. આ નદી પર નર્મદા જિલ્લાના (નવાગામ) એકતાનગર ખાતે નિર્મિત સરદાર સરોવર ડેમ દેશના સૌથી મોટા બહુહેતૂક જળસંચય પ્રોજેક્ટોમાંનો એક ગણાય છે. સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામો અને 190 શહેરોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના 1,336 ગામો અને 3 શહેરોને પણ નર્મદાનું પાણી મળે છે. આ યોજનાથી અંદાજે 3 કરોડથી વધુ લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!