ગુજરાતમાં ખાતર કટોકટી વચ્ચે જૈવિક કૃષિ ક્રાંતિ માટે પચાસ કરોડની બાયોમેન્યુફેક્ચરિંગ યોજના
ગાંધીનગર: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિરતાએ વૈશ્વિક ખાતર પુરવઠાને વેરવિખેર કરી નાંખ્યો છે. આ આ પડકારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકોને પ્રોત્સાહન અને નવીનતાને વેગ આપવા તથા પરંપરાગત કૃષિ ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે સંકલિત બાયોમેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) દ્વારા પાંચ વર્ષમાં અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે આ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકો માટે બાયોમેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપવા ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) અને આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) વચ્ચે આજે (9 ઓક્ટોબર, શુક્રવાર) ભાવનગરમાં સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે.
આ પહેલનો હેતુ રાજ્યમાં ઉપલબ્ધ સૂક્ષ્મજીવ સંસાધનો, કૃષિ વિશ્વવિદ્યાલયો, બાયોટેક્નોલોજી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs), સહકારી સંસ્થાઓ તથા ખેડૂતોને એકસાથે જોડવાનો છે. આ અંતર્ગત સૂક્ષ્મજીવોની શોધ, સંશોધન, ઉત્પાદનની ફોર્મ્યુલેશન પ્રક્રિયા, ઉત્પાદન, ખેતરમાં ચકાસણી અને ખેડૂતો દ્વારા તેનો સ્વીકાર—આ તમામ તબક્કાઓને આવરી લેતી સંકલિત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

ભારતની કૃષિ સ્થિતિસ્થાપકતા મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસ
ભારતમાં ખાતરની માંગનું મૂલ્યાંકન કરવા, સ્થાનિક ઉત્પાદન અને આયાત વચ્ચે સંકલન સાધવા તથા યુરિયા, ડીએપી (DAP), મ્યુરિયેટ ઑફ પોટાશ (MOP) અને એનપીકે (NPK) જેવા સબસિડીવાળા ખાતરોનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે. પડકાર માત્ર વધુ પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાનો નથી, પરંતુ કૃષિ ઇનપુટ્સની વધુ સક્ષમ અને સ્થિતિસ્થાપક વ્યવસ્થા ઊભી કરવાનો છે. જૈવિક ખાતરો, બાયોસ્ટિમ્યુલન્ટ્સ, સૂક્ષ્મજીવોના સંયોજનો અને અન્ય જૈવિક ટેક્નોલોજીઓ ખેડૂતોને વધારાના વિકલ્પો પૂરા પાડી શકે છે. સાથે જ પોષક તત્ત્વોના કાર્યક્ષમ ઉપયોગ અને જમીનના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. પરંપરાગત ખાતરોનું મહત્ત્વ યથાવત્ રહેશે, પરંતુ જૈવિક વિકલ્પો કૃષિ ઇનપુટ્સના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં ફાળો આપશે.
ગુજરાતનો મજબૂત વૈજ્ઞાનિક પાયો
ગુજરાતની આ પહેલ રાજ્યમાં પહેલેથી ઉપલબ્ધ સંશોધન અને ટેક્નોલોજીના વ્યાપારીકરણની ક્ષમતાના આધારે આગળ વધી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) દ્વારા એઝોટોબેક્ટર, એઝોસ્પિરિલમ, રાઇઝોબિયમ, ફોસ્ફેટને દ્રાવ્ય બનાવતા બેક્ટેરિયા અને પોટેશિયમનું ગતિશીલકરણ કરતા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જૈવિક ખાતરોની ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે અને તેનું વ્યાપારીકરણ પણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ બાયો-એનપી (Bio-NP) અને બાયો-એનપીકે (Bio-NPK) સહિત સૂક્ષ્મજીવોના સંયોજનો પણ વિકસાવ્યાં છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2024-25 સુધીમાં આશરે 42 લાખ લિટર જૈવિક ખાતરનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવ્યું છે.આણંદ કૃષિ યુનિવર્સિટી પાસે જૈવિક ખાતરો, જૈવિક જંતુનાશકો અને જૈવિક વિઘટકોના વિકાસ માટે ઉપયોગી 1,000થી વધુ સૂક્ષ્મજીવ સંવર્ધનોનો સંગ્રહ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 148 સૂક્ષ્મજીવ સ્ટ્રેઇન્સના ડીએનએ સિક્વન્સનો ડેટા નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) પાસે જમા કરાવવામાં આવ્યો છે.

પહેલના ચાર મુખ્ય સ્તંભ
આ કાર્યક્રમ ચાર પરસ્પર સંકળાયેલા ઘટકો પર કેન્દ્રિત રહેશે.
પ્રથમ ઘટક તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય બાયો-સ્ટ્રેઇન રિપોઝિટરી અને પાયલટ સુવિધા સ્થાપવાની દરખાસ્ત છે. આ અંતર્ગત 528.96 ચોરસ મીટર વિસ્તારમાં બાયોરિપોઝિટરી અને 1,054 ચોરસ મીટર વિસ્તારમાં પાયલટ-સ્કેલ સુવિધા વિકસાવવાનું આયોજન છે. આ કાર્યક્રમનો હેતુ 5,000થી વધુ સ્થાનિક સૂક્ષ્મજીવ સ્ટ્રેઇન્સનું સંરક્ષણ, 500થી વધુ સ્ટ્રેઇન્સનું જીનોમિક સિક્વન્સિંગ, ડિજિટલ ગુજરાત બાયો-સ્ટ્રેઇન ડેટાબેઝની સ્થાપના અને 10થી વધુ નવી બાયો-ફોર્મ્યુલેશન્સ વિકસાવવાનો પણ છે.
સ્ટાર્ટઅપ્સ અને MSME માટે ઉત્પાદન સુવિધાઓ
આ પહેલ હેઠળ સ્ટાર્ટઅપ્સ, નાના ઉદ્યોગો, સહકારી સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોને પાયલટ સ્તરે ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આ હેતુસર રૂ. 13 કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત છે.
વૈજ્ઞાનિક ચકાસણી અને ખેતર સ્તરે પ્રદર્શન
આ ઘટક હેઠળ વિવિધ કૃષિ-આબોહવાકીય વિસ્તારોમાં જૈવિક ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવશે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓના નેટવર્ક દ્વારા ખેડૂતો માટે પ્રદર્શન કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
સહકારી ક્ષેત્રમાં મોટા પાયે ઉત્પાદન
આ પહેલના ચોથા ઘટક હેઠળ સહકારી સંસ્થાઓના સહયોગથી મોટા પાયે ઉત્પાદન સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. આ માટે સહકારી દૂધ સંઘો જેવા કે અમૂલ, બનાસ, સુમુલ અને ક્રિભકો (KRIBHCO) સહિતની સહકારી સંસ્થાઓના સહયોગથી સ્વચાલિત ફર્મેન્ટેશન, ફોર્મ્યુલેશન અને પેકેજિંગ સુવિધાઓ વિકસાવવાની દરખાસ્ત છે.
પ્રયોગશાળાના સંશોધનથી ખેડૂતોનાં ખેતરો સુધી
આ કાર્યક્રમનો હેતુ સરકારી સંસ્થાઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો, ઉત્પાદકો, સહકારી સંસ્થાઓ અને ખેડૂતોને સંકલિત મૂલ્ય સાંકળમાં જોડવાનો છે. કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન અને ખેતર સ્તરે ચકાસણીમાં યોગદાન આપશે, બાયોટેક્નોલોજી સંસ્થાઓ સૂક્ષ્મજીવોની શોધમાં સહયોગ આપશે, જ્યારે સ્ટાર્ટઅપ્સ અને MSMEs નવીનતાઓના વ્યાપારીકરણમાં મદદરૂપ બનશે.
