નકલી દસ્તાવેજો પર સિમ કાર્ડ લીધું તો હવે ખેર નથી! તમારા નામે કેટલા સિમ ચાલે છે? આ રીતે કરો ચેક
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ સિમ કાર્ડ માત્ર સામાન્ય વાતચીતનું સાધન નથી રહ્યું, પરંતુ તે બેંક એકાઉન્ટ્સ, UPI ટ્રાન્ઝેક્શન્સ, ગુપ્ત OTP અને તમામ નાણાકીય સેવાઓની મુખ્ય ચાવી બની ચૂક્યું છે. આવા સંજોગોમાં સાયબર ફ્રોડ અને ફેક સિમ કાર્ડ્સના દુરુપયોગને રોકવા માટે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ સપ્ટેમ્બર ૨૦૨૬માં અત્યંત કડક એડવાઇઝરી જાહેર કરી છે.
સરકારના આદેશ અનુસાર, જો કોઈ વ્યક્તિ નકલી દસ્તાવેજો કે કોઈ અન્ય નિર્દોષ નાગરિકના ઓળખપત્રોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ મેળવશે અથવા ટેલિકોમ આઇડેન્ટિફાયરનો દુરુપયોગ કરશે, તો તે જામીનપાત્ર ગુનો નહીં ગણાય અને સીધી જેલની હવા ખાવી પડશે.
ટેલિકોમ્યુનિકેશન એક્ટ, ૨૦૨૩ હેઠળ આકરી સજાની જોગવાઈ
સેક્શન ૪૨(૩)(e) હેઠળ ગુનો: છેતરપિંડી આચરીને, બોગસ દસ્તાવેજો બનાવીને કે બીજા વ્યક્તિના નામે ખોટી ઓળખ ઊભી કરીને સિમ કાર્ડ મેળવવું ગંભીર કાનૂની અપરાધ છે.
૩ વર્ષ સુધીની જેલ અને ₹૫૦ લાખ દંડ: આ કાયદા હેઠળ દોષિત સાબિત થનારને ૩ વર્ષ સુધીની જેલની સજા, ₹૫૦ લાખ સુધીનો જંગી દંડ અથવા બંને સજા એકસાથે ફટકારવાની જોગવાઈ છે.
મદદગાર અને ષડયંત્રકારીઓ પણ નહીં બચે: સેક્શન ૪૨(૬) મુજબ, આવા ફેક સિમ રેકેટમાં મદદ કરનારા, દુકાનદારો (PoS એજન્ટ્સ) કે કાવતરામાં સાથ આપનારાઓ સામે પણ મુખ્ય ગુનેગાર જેટલી જ કડક સજા થશે.
તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? આ રીતે કરો વેરિફિકેશન
તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદે સિમ ઉપાડી લીધું છે કે નહીં તે ચકાસવા માટે DoTએ ભારત સરકારનું ઓફિશિયલ ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પોર્ટલ ઉપલબ્ધ કરાવ્યું છે.
સ્ટેપ 1: ભારત સરકારના ઓફિશિયલ પોર્ટલ sancharsaathi.gov.in પર જાઓ અથવા તેની સત્તાવાર એપ ઓપન કરો.
સ્ટેપ 2: હોમપેજ પર આપેલા વિકલ્પ TAFCOP (Telecom Analytics for Fraud management and Consumer Protection) પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમારો ચાલુ 10 ડિજીટનો મોબાઈલ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરીને ‘Request OTP’ પર ક્લિક કરો.
સ્ટેપ 4: મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને લોગિન કરો.
સ્ટેપ 5: લોગિન થતાંની સાથે જ તમારા ઓળખપત્રો પર ચાલી રહેલા તમામ મોબાઈલ નંબરોનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 6: જો લિસ્ટમાં કોઈ એવો નંબર જોવા મળે જે તમે ક્યારેય ખરીદ્યો નથી, તો તેને સિલેક્ટ કરીને ‘Not My Number’ અથવા ‘Not Required’ પર ક્લિક કરીને તરત જ ઓનલાઇન રિપોર્ટ કરી શકો છો, જેથી ટેલિકોમ કંપની તે નંબરને બ્લોક કરી દેશે.
