April 28, 2026
નેશનલ

એપ્રિલમાં જ અંગ દઝાડતી ગરમી: મે-જૂનમાં શું હાલ થશે?

Spread the love


ઉત્તર ભારત અને ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ, તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર

આ વખતે એપ્રિલ મહિનામાં પંજાબ-હરિયાણા, ગુજરાત-દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શરીરમાંથી ભયંકર પરસેવો વહાવનાર અને બળતરા થનાર હીટવેવ ફૂંકાઈ રહી છે. સામાન્ય રીતે મે મહિનાના અંત અને જૂન મહિનાની પીક સિઝનમાં ભયંકર ગરમીની અસર વર્તાય છે, પરંતુ છેલ્લા એક દાયકાથી હવામાનની પેટર્ન બદલાઈ છે. 26 એપ્રિલના યુપીના બાંદામાં સૌથી વધુ તાપમાનનો પારો 47.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, જે નવો વિક્રમ નોંધાયો હતો.

પ્રયાગરાજથી લઈને રાજકોટ-અમદાવાદ, બાડમેરથી વર્ધા અને રાજનંદગામમાં ગરમીથી લોકોએ તોબા પોકારી છે. વર્ધા-રાજનંદગામમાં તાપમાનનો પારો 45થી 46 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે. વધતી ગરમીને કારણે હવા પણ ગરમ બની રહી છે. સૂર્યોદય પહેલા ગરમ હવાથી ગરમ રાજ્યોની જનતા તો તોબા પોકારી ઊઠી છે.

સૌને સવાલ એ થાય છે કે હીટવેવનું કારણ શું છે, જેમાં પશ્ચિમ ડિસ્ટર્બન્સના અભાવનું પરિબળ મુખ્યત્વ જવાબદાર છે. રાજસ્થાનથી ગરમ અને શુષ્ક હવા ઝડપથી પહોંચવા લાગી છે. ભેજ ઘટવાથી તાપમાનનો પારો નિરંતર વધી રહ્યો છે, જેમાં અમુક શહેરોમાં રાહત મળે છે, પરંતુ એની અસર મર્યાદિત છે, કારણ કે હીટવેવનું કદ વધ્યું છે.

સૌને સવાલ થઈ રહ્યો છે કે એપ્રિલના અંતમાં હાલત વકરી છે તો મે-જૂનમાં શું હાલત થશે. હજુ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઔર વધશે. આઈએમડીએ જમ્મુ કાશ્મીરના પાંચ જિલ્લા જમ્મુ, કઠુઆ, સાંબા, રિયાસી અને ઉધમપુર માટે પણ હીટવેવ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે મે મહિનાની શરુઆતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને વિદર્ભમાં હીટવેવની અસર રહેશે. જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઉચકાઈ શકે છે.

હીટવેવની સૌથી વધુ અસરવાળા રાજ્યમાં રાજસ્થાન, યુપી, પંજાબ, હરિયાણા, આંધ્ર પ્રદેશના અમુક શહેરોની સાથે બિહાર, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. ગરમીના દિવસોમાં બીમાર લોકો અને બાળકોની સાથે વૃદ્ધોએ બપોરના સમયગાળામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે બપોરના સમયે હીટસ્ટ્રોકના શિકાર બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!