April 23, 2026
મની મેનેજમેન્ટ

શું ₹ 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ ખરેખર તમારા માટે પૂરતું છે?

Spread the love


મોંઘવારી અને ઘટતી ખરીદ શક્તિ: નિવૃત્તિ આયોજનમાં આ મોટી ભૂલ નહીં કરો

આજના સમયમાં ₹ 1 કરોડની રકમને નિવૃત્તિ (Retirement) માટે એક મજબૂત ફંડ માનવામાં આવે છે. ઘણા લોકો તેને ‘ફાઈનાન્શિયલ ફ્રીડમ’નું લક્ષ્ય માનીને બચત કરે છે, પરંતુ વાસ્તવમાં બદલાતા આર્થિક વાતાવરણમાં આ વિચાર અધૂરો હોઈ શકે છે. મોંઘવારી સમયની સાથે પૈસાની અસલી કિંમત ઘટાડતી રહે છે. એવામાં જે રકમ આજે મોટી લાગે છે, તે ભવિષ્યમાં નાની સાબિત થઈ શકે છે. સવાલ માત્ર એ નથી કે તમે કેટલું જોડો છો, પણ એ પણ છે કે તે પૈસાની ભવિષ્યમાં ખરીદ શક્તિ (Purchasing Power) કેટલી બચશે.
ભારતમાં લાંબા સમયથી ₹ 1 કરોડને રિટાયરમેન્ટ માટે સુરક્ષિત અને પર્યાપ્ત ફંડ માનવામાં આવે છે. પરંતુ આ ધારણા હવે બદલવાની જરૂર છે. મોંઘવારી સતત પૈસાની વેલ્યુ ઘટાડી રહી છે, જેના કારણે ભવિષ્યમાં આ રકમની અસલી તાકાત ઘણી ઘટી શકે છે.

ભવિષ્યની રકમ નહીં વેલ્યુ પર ધ્યાન આપો
જો આપણે સરેરાશ પાંચથી છ ટકાનો મોંઘવારી દર માનીએ તો આગામી 20 વર્ષમાં ₹ 1 કરોડની ખરીદ શક્તિ ઘટીને અડધી અથવા તેનાથી પણ ઓછી રહી શકે છે. એટલે કે, આજે જે જીવનશૈલી તમે ₹ 1 કરોડથી પૈસા ખર્ચ કરી શકો છો, તે જ લાઈફસ્ટાઈલ વર્ષ 2046માં જાળવી રાખવાનું મુશ્કેલ બની શકે છે. તેની સીધી અસર તમારી રિટાયરમેન્ટ લાઈફની ગુણવત્તા પર પડશે. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સૌથી મોટી ભૂલ એ જ થાય છે કે લોકો માત્ર રકમ પર ધ્યાન આપે છે, તેની ભવિષ્યની વેલ્યુ પર નહીં. હકીકતમાં રિટાયરમેન્ટ એ લાંબો ગાળો હોય છે, જે 25-30 વર્ષ સુધી ચાલી શકે છે. આ દરમિયાન ખર્ચ સતત વધતો રહે છે.

20 વર્ષ પછી ખરીદશક્તિને ધ્યાનમાં રાખો
જો આજે તમે ₹1 કરોડને મોટી રકમ માનો છો, તો એ સમજવું જરૂરી છે કે સમય જતાં તેની અસલી કિંમત ઘટતી જાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) મોંઘવારી દરને (CPI) સામાન્ય રીતે 2% થી 6% વચ્ચે રાખવાનો પ્રયાસ કરે છે. આ મર્યાદાને આધાર માનીને જો આપણે આગામી 20 વર્ષ એટલે કે 2046 સુધીનો અંદાજ લગાવીએ, તો રુપિયા એક કરોડની ખરીદવાની શક્તિ નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આજના ₹ 1 કરોડથી તમે જે વસ્તુઓ ખરીદી શકો છો, 2046માં તે જ વસ્તુઓ માટે તમારે ઘણી વધારે રકમની જરૂર પડશે.

આ પરિબળોનું સૌથી પહેલા ધ્યાન આપો
હેલ્થકેર ખર્ચ: સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે, જે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો ખર્ચ બની શકે છે.

શહેરી જીવનશૈલી: શહેરોમાં રહેવાનો ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો મોંઘી થઈ રહી છે.

વધતું આયુષ્ય: લાંબા આયુષ્યને કારણે લાંબા સમય સુધી પૈસાની જરૂર પડે છે, જેનાથી ફંડ જલ્દી ખતમ થવાનું જોખમ રહે છે.

અન્ય જવાબદારીઓ: બાળકોનું શિક્ષણ, લગ્ન કે અચાનક આવતી મેડિકલ ઈમરજન્સી જેવા ખર્ચ પણ તમારી બચત પર દબાણ લાવી શકે છે.

જો આ તમામ પરિબળોને નજરઅંદાજ કરવામાં આવે, તો ₹ 1 કરોડનું લક્ષ્ય તમને સુરક્ષાનો ખોટો અહેસાસ કરાવી શકે છે, તેથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે મોંઘવારીને ધ્યાનમાં રાખીને મોટું અને વાસ્તવિક લક્ષ્ય નક્કી કરવું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!