April 21, 2026
કિચન ટિપ્સ

શું તમે જાણો છો કે ઘરનું આંગણું કેવી રીતે એસી જેવી ઠંડક આપતું? વાંચો આ રસપ્રદ રિપોર્ટ

Spread the love

પરંપરાગત સ્થાપત્યકલામાં ‘આંગણું’ એ માત્ર ઘરનો એક ભાગ નહીં, પણ વિજ્ઞાન અને સંસ્કૃતિનો અદભૂત સંગમ હતો. આજના એસી અને આર્ટિફિશિયલ લાઇટિંગના યુગમાં આપણે એ ભૂલી ગયા છીએ કે આપણા પૂર્વજોએ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ઘરને ઠંડુ રાખવાની કેટલી સચોટ વ્યવસ્થા કરી હતી. આજે આપણે આ સ્ટોરીમાં આપણા જીવન અને ઘરમાં આંગણાનું શું મહત્વ હતું એ વિશે વિસ્તારથી વાત કરીશું…

આજના સમયમાં જ્યારે ગરમી વધી રહી છે, ત્યારે પરંપરાગત આંગણાની ડિઝાઈન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આંગણું એ ‘ક્લાયમેટ રિસ્પોન્સિવ આર્કિટેક્ચર’નું ઉત્તમ ઉદાહરણ છે. આંગણું એ ઘરનો એક મહત્ત્વનો હિસ્સો હતા. આંગણું એ મોકળાશની સાથે સાથે અનેક વૈજ્ઞાનિક ફાયદાઓ પોતાની સાથે લાવતા હતા.

આંગણાના સાયન્ટિફિક ફાયદાઓ વિશે વાત કરીએ તો આંગણું કુદરતી કૂલિંગ સિસ્ટમ જેવું કામ કરતું હતું. ઘરની ગરમ હવા ઉપર ઉઠીને ખુલ્લા આંગણા વાટે બહાર નીકળી જતી, જેનાથી દરવાજા અને બારીઓ દ્વારા ઠંડી હવા અંદર ખેંચાતી. આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં ‘સ્ટેક ઈફેક્ટ’ કહેવામાં આવે છે. આ સિવાય આંગણાને કારણે વીજળી વગર પણ આખું ઘર દિવસભર રોશન રહેતું હતું. આંગણામાંથી આવતો સૂર્યપ્રકાશ આસપાસના ઓરડાઓમાં ફેલાઈ જતો, જેથી લાઈટની જરૂર પડતી નહીં.

તમને ખ્યાલ હશે કે જૂના જમાનામાં કે ગામડાના ઘરની વાત કરીએ તો ઘરની બહાર આંગણામાં એક તુલસીનો છોડ જોવા મળતો હતો. હિંદુશાસ્ત્રમાં તુલસીનું અનેરું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આંગણામાં રહેલો તુલસીનો છોડ એ ઘરને પવિત્ર રાખવાની સાથે સાથે અને નાનકડો પાણીનો કુંડ બાષ્પીભવન દ્વારા હવાને ઠંડી રાખવામાં મહત્ત્વનો રોલ નિભાવતા હતા. પરિણામે, બહારની કાળઝાળ ગરમીમાં પણ ઘરની અંદરનું તાપમાન ઓછું રહેતું.

ઘરની બહાર આંગણાની હેલ્થ અને સોશિયલ લાઈફ પર પડતી અસર વિશે વાત કરીએ તો આંગણુ હોવાને કારણે ઘરની સુરક્ષા વચ્ચે જ તાજી હવા અને વિટામિન-ડી (સૂર્યપ્રકાશ) મળી રહેતો. આ ઉપરાંત, અનાજ સૂકવવા, વરસાદી પાણીના સંગ્રહ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે આંગણું એ ઘરનું હૃદય ગણાતું હતું. જોકે, હવે જોવાની અને વિચારવાની વાત તો એ છે વિકાસના નામે આપણી પાસેથી આપણું આંગણું છીનવાઈ ગયું છે અને આપણે બસ ખાલી જોતા રહેવા સિવાય બીજું ખાસ કંઈ કરી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!