મેન્ટોરશિપ કે માનસિક શોષણ? કોર્પોરેટ વર્લ્ડમાં વધતા ‘કોર્પોરેટ ગ્રૂમિંગ’ના કિસ્સાઓ, નાશિકની ઘટના છે આંખ ઉઘાડનારી…

હાલમાં મહારાષ્ટ્રના નાશિકના ટીસીએસ (TCS)માં મહિલા કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણી અને ધર્માંતરણના ગંભીર આરોપોએ કોર્પોરેટ જગતની એક કાળી બાજુ ઉજાગર કરી છે. નાશિકની આ ઘટનાએ ‘કોર્પોરેટ ગ્રૂમિંગ’ (Corporate Grooming) પર એક નવી ચર્ચા છેડી દીધી છે, જેમાં વિશ્વાસ અને મેન્ટોરશિપના નામે કર્મચારીઓનું માનસિક અને શારીરિક બંને પ્રકારે માત્રને માત્ર જ શોષણ કરવામાં આવે છે. કોર્પોરેટ ગ્રૂમિંગ એ એક એવી વ્યૂહરચના છે જેમાં ઉચ્ચ અધિકારીઓ પોતાના પદનો દુરુપયોગ કરી કર્મચારી સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ બનાવે છે, જેનો અંતિમ ઉદ્દેશ્ય શોષણ કરવાનો હોય છે.
કોર્પોરેટ ગ્રૂમિંગ કઈ રીતે ઓળખશો?
વાત કરીએ કે કઈ રીતે આ કોર્પોરેટ ગ્રૂમિંગ કઈ રીતે ઓળખી શકાય કે એના સંકેતો શું છે એની તો તે નીચે મુજબ છે
ગાઢ મિત્રતા અને ખાસ હોવાનો અહેસાસ
કોર્પોરેટ સેક્ટરમાં ગ્રૂમર શરૂઆતમાં તમને એવું અનુભવ કરાવશે કે આખી ટીમમાં તમે સૌથી ખાસ છો. તે તમારી અંગત જિંદગીમાં જરૂર કરતા વધુ રસ લેશે અને વગર માંગ્યે મદદની ઓફર કરશે.
આઈસોલેશન
સમય જતાં ધીમે ધીમે બોસ તમને અન્ય સાથીદારો, પરિવાર કે મિત્રોથી દૂર કરવાનો પ્રયાસ કરશે. તે એવી વાતો કરશે કે “બીજા લોકો તમારી પ્રગતિથી બળે છે, માત્ર હું જ તમારો હિતેચ્છુ છું.”
રહસ્યોની આપ-લે
વફાદારી મેળવવા માટે તે પોતાના ‘સીક્રેટ્સ’ તમારી સાથે શેર કરશે, જેથી તમે પણ તમારી દરેક ખાનગી વાત તેને કહેવા માટે મજબૂર અનુભવો.
મર્યાદા ઓળંગવી
આ પ્રક્રિયામાં બોસ વ્યવસાયિક મર્યાદાઓ તોડીને અંગત સવાલો પૂછવા કે અયોગ્ય સમયે ભેટ આપવાનું શરૂ કરે છે. જો તમે વિરોધ ન કરો, તો તેનું મનોબળ વધે છે.
ગૅસલાઇટિંગ
જો તમે કોઈ અયોગ્ય વ્યવહાર પર સવાલ ઉઠાવો, તો તે તમને જ ખોટા અથવા ‘પાગલ’ સાબિત કરવાનો પ્રયાસ કરશે.
બ્રેઈનવોશ અને ડર
કર્મચારીના મનમાં એવું બેસાડી દેવામાં આવે છે કે તેનું કરિયર માત્ર તે મેનેજરની મરજી પર જ ટકેલું છે. આ ડરને કારણે કર્મચારી તર્ક કરવાની શક્તિ ગુમાવી દે છે અને માત્ર આદેશોનું પાલન કરતી મશીન બની જાય છે.
