ભારત ટેક્સી લોન્ચ: ઓલા-ઉબેરની મનમાની પર લાગશે ‘બ્રેક’, શું થશે ફાયદો?
8 મોટી સહકારી સંસ્થાઓની અનોખી પહેલ: ડ્રાઈવરોને કમિશનમાંથી મુક્તિ અને ગ્રાહકોને સસ્તું ભાડું મળશે
દેશમાં ચાલતી ખાનગી ઓલ ઉબેર ટેક્સીના માફક સહકારી ક્ષેત્રમાં સૌથી મોટી કેબ સર્વિસ શરુ કરવામાં આવી છે. આ કેબ ટેક્સી દુનિયાની સૌથી મોટી કો-ઓપરેટિવ કેબ સર્વિસ છે, જેને દેશની 8 મોટી સહકારી સંસ્થાઓના સહયોગથી ઓપરેટ કરવામાં આવી રહી છે. આ ટેક્સી સર્વિસના લોન્ચિંગની સાથે જ સામાન્ય ગ્રાહકોને ભાવ વધારા અને કેબ ચાલકોને કમિશનમાંથી મુક્તિ મળશે.
ગુજરાત સરકારે પણ ભારત ટેક્સી લોન્ચ કરવા મુદ્દે આ યોજનાને આવકારી હતી. દેશની પ્રથમ સહકારી કેબ સેવા ‘ભારત ટેક્સી’ના લોન્ચિંગને ઐતિહાસિક ગણાવતા હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. અત્યાર સુધી કેબ સેવામાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ હતું, પરંતુ ‘ભારત ટેક્સી’ એ સહકારી ધોરણે કાર્ય કરતી દેશની પ્રથમ પહેલ છે.
આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરોનું શોષણ અટકશે. ખાનગી એપ્લિકેશન્સમાં ડ્રાઈવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે, જ્યારે અહીં સહકારી માળખાને કારણે ડ્રાઈવરોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ છે. આ સેવા માત્ર ડ્રાઈવરો માટે જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સહકારી મોડેલ હોવાથી ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે અતિશય ભાડું વસૂલવામાં આવશે નહીં. એટલું જ નહીં, ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
ગુજરાત હંમેશા સહકારી પ્રવૃત્તિઓમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે. અમૂલ અને ઇફ્કો જેવા સફળ સહકારી મોડેલ બાદ હવે પરિવહન ક્ષેત્રે ‘ભારત ટેક્સી’ દ્વારા સહકારી ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી કેબ સેવાનો પ્રારંભ થવો એ આપણા માટે ગૌરવની વાત છે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરો અને મહેનતકશ ડ્રાઈવર ભાઈઓ – બંનેને ફાયદો થશે. સહકારી ક્ષેત્રે આ એક ક્રાંતિકારી કદમ છે. ભારત ટેક્સી’ના સંચાલકો અને આ પહેલ સાથે જોડાયેલા તમામ સભ્યોને આધુનિક પરિવહન વ્યવસ્થામાં સહકારી ભાવના ઉમેરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સંપૂર્ણપણે એપ આધારિત સ્વદેશી ટેક્સી સર્વિસ છે. એવું માનવામાં આવે છે કે તેના આવવાથી ખાનગી એપ્લિકેશન આધારિત ઓલા, ઉબર જેવી એપ આધારિત કંપનીઓને જોરદાર ટક્કર મળશે અને સ્પર્ધામાં પણ વધારો થશે અને તેનો ફાયદો સામાન્ય ગ્રાહકોને મળી શકશે.
ડ્રાઈવર-ઓનરશિપ મોડલ પર આધારિત ભારત ટેક્સી એપ કમિશન ફ્રી સર્વિસ ઉપલબ્ધ કરાવશે, જેનાથી કેબ ચાલકોને તેમના હકના પૂરા પૈસા મળશે. સરકારની આ યોજના માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે, જ્યારે આ યોજના 45 મિલિયન લોકોને પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડશે, જે પ્રવાસીઓ માટે પણ ટ્રાવેલ કરવા શ્રેષ્ઠ વિકલ્પનું સાધન પણ બની શકે છે.
