February 3, 2026
ટેકનોલોજી

હેં, હવે ટ્રાફિક સિગ્નલમાં જોવા મળશે સફેદ લાઈટ? જાણો આ નવી ટેકનોલોજી વિશે…

Spread the love


હોલીવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં દેખાતી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર હવે અમેરિકા જેવા દેશોમાં વાસ્તવિકતા બની રહી છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સ્માર્ટ કારોને કારણે ટ્રાફિક સિગ્નલના રંગો પણ બદલાઈ શકે છે? નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, ભવિષ્યમાં ટ્રાફિક સિગ્નલમાં ચોથો રંગ ઉમેરવાની જરૂર પડી શકે છે. આ ચોથા રંગ વિશે જ આપણે આ સ્ટોરીમાં વાત કરીશું.

ટેકનોલોજીના આજના સમયમાં હવે માત્ર ગેજેટ્સ અને ડિવાઈસ જ સ્માર્ટ નથી બની રહ્યા, પરંતુ રસ્તાઓ પણ એકદમ સ્માર્ટ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સેલ્ફ ડ્રાઈવ વેહિકલના આગમનથી હાલની ટ્રાફિક સિસ્ટમમાં મોટો ફેરફાર કરવો અનિવાર્ય છે. આ ફેરફાર એટલે આપણા અત્યારના ટ્રાફિક સિગ્નલમાં દેખાતી લાલ, ગ્રીન અને પીળી લાઈટ્સની સાથે એક ચોથી વ્હાઈટ લાઈટ ઉમેરાશે, જેને વ્હાઈઝ ફેઝ ટેક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે.

શું છે આ ‘વ્હાઇટ ફેઝ’ ટેકનોલોજી?
વૈજ્ઞાનિકોના સૂચન અનુસાર ટ્રાફિક સિગ્નલમાં લાલ, પીળી અને લીલી લાઈટ ઉપરાંત એક સફેદ લાઈટ ઉમેરવી જોઈએ. આ લાઈટ ખાસ કરીને સેલ્ફ-ડ્રાઇવિંગ કારો માટે હશે. એ અનુસાર જ્યારે સફેદ લાઈટ ચાલુ થાય, ત્યારે હ્યુમન ડ્રાઈવર્સે માત્ર એક જ નિયમ પાળવાનો રહેશે – આગળના વાહનને અનુસરો. જો તમારી આગળની કાર ચાલે તો તમારે ચાલવાનું અને તે ઉભી રહે તો તમારે ઉભા રહેવાનું. આ લાઈટ ત્યારે જ સક્રિય થશે જ્યારે જંક્શન પર મોટી સંખ્યામાં સ્માર્ટ કાર હાજર હશે.

કઈ રીતે કામ કરશે આ નવી ટેક્નોલોજી?
સેલ્ફ-ડ્રાઇવિંગ કાર વાયરલેસ ટેકનોલોજી દ્વારા એકબીજા સાથે અને ટ્રાફિક સિગ્નલ સાથે સતત સંપર્કમાં રહેશે. આ કારો કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા નક્કી કરશે કે કઈ બાજુથી કેટલા વાહનોને પસાર કરવા જેથી ટ્રાફિક જામ ન થાય. સફેદ લાઈટ એ સંકેત હશે કે અત્યારે ટ્રાફિકનું નિયંત્રણ માણસ નહીં પણ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI) કરી રહ્યું છે.

સંશોધનમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ટેકનોલોજીથી બે સૌથી મોટા ફાયદા થશે, જેમાંથી સૌથી પહેલાં અને મોટા ફાયદા વિશે વાત કરીએ તો જો રસ્તા પર માત્ર 10 ટકા સ્માર્ટ કાર હોય તો પણ ટ્રાફિકમાં થતો વિલંબ 3 ટકા ઘટી શકે છે. જો આ સંખ્યા 30 ટકા થાય, તો ટ્રાફિક જામમાં 10.9 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. બીજા ફાયદા વિશે વાત કરીએ તો વાહનોને વારંવાર ઉભા રાખવા અને ચલાવવાને બદલે તે એક સ્પીડ પર ચાલશે, જેને કારણે ફ્યુઅલનો બગાડ ઘટશે.

વાત કરીએ આ નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમને અમલમાં મૂકવામાં ભારત સામે રહેલાં પડકારો વિશે પણ વાત કરી લઈએ. દરેક સિગ્નલને સ્માર્ટ બનાવવા માટે મોટું રોકાણ જોઈશે. આ સિવાય ભારતમાં લોકો પીળી લાઈટ જોઈને વાહન ધીમું કરવાને બદલે ઝડપ વધારે છે, ત્યારે “આગળના વાહનને અનુસરો” જેવો નિયમ ગેરસમજ પેદા કરી શકે છે. અલગ-અલગ કંપનીઓની કારો એક જ પ્રોટોકોલ પર કામ કરે તે સુનિશ્ચિત કરવું એક મોટો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!