March 21, 2026
ગુજરાત

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: PM મોદી અને જર્મન ચાન્સેલરે રિવરફ્રન્ટ પર જમાવ્યો પતંગબાજીનો રંગ

Spread the love

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જિવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના બેડાં રાસ, કુચિપુડી, ભરત નાટ્યમ સહિતની નૃત્યકળા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. તદુપરાંત, ગુજરાત-રાજસ્થાનના કુલ ૧૦૮ જેટલાં કલાકારો દ્વારા આ પ્રસંગે સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હારમોનિયમ, બાંસુરી, ઢોલક, તબલાં, મૃદંગ સહિતનાં વિવિધ વાદ્યો દ્વારા વંદે માતરમ, વૈષ્ણવજન તેમજ જર્મન ધૂન વગાડીને ભારત અને જર્મનીની મિત્રતાની પ્રતીતિ કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતનાં ૧૩ રાજ્યોના ૬૫ પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે. આ જ પ્રકારે, ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન મોદી તેમ જ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!