March 21, 2026
ગુજરાતટોપ ન્યુઝ

વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાતમાં બે દાયકામાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યુંઃ પીએમ મોદી

Spread the love

કચ્છ અને સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ સુખદ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યું હતું કે, આજે ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે.

બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની યાત્રા આજે એક ગ્લોબલ બેન્ચમાર્ક સાથે અતૂટ ભરોસા સુઘી પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૦ વાઈબ્રન્ટ સમિટ યોજાઈ ચૂકી છે. વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વને ગુજરાતના સામર્થ્યથી પરિચિત કરાવવાનો હતો, પરંતુ આજે તે રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશીપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. અહીં કોર્પોરેટ ગ્રુપ, MSME, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કદમથી કદમ મિલાવીને વિકાસના પથ પર આગળ વધી રહી છે.

વડાપ્રધાનએ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા આગળ વધી રહ્યું છે.

શ્વેતક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન અને જેનરિક દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સિન (રસી) બનાવનાર દેશ ભારત છે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આપણું UPI દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે અને સોલર પાવર તથા મેટ્રો નેટવર્કમાં પણ આપણે ટોપ ત્રણમાં છીએ.

‘રીફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ’ના મંત્રને કારણે આજે વિશ્વની તમામ ગ્લોબલ સંસ્થાઓ ભારતમાં રોકાણ કરવા તત્પર છે. IMF ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન માને છે અને ફિચ (Fitch) જેવી રેટિંગ એજન્સીઓ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અભૂતપૂર્વ નિશ્ચિતતા સાથેની ભારતની આર્થિક સ્થિરતાને બિરદાવી રહી છે.

વડાપ્રધાનએ ગર્વભેર જણાવ્યું હતું કે, ભારત આજે અસીમ સંભાવનાઓનો દેશ બની ગયો છે, આપણા દેશમાં સ્થિરતા અને નીતિઓમાં સાતત્ય છે. ભારતમાં મધ્યમવર્ગના વ્યાપની સાથે તેઓની ખરીદશક્તિની ક્ષમતાઓ વધી રહી છે. આ તમામ પરિબળોને કારણે ભારત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.

મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!