જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખને આપી ‘રામમંત્ર’ની દીક્ષા અને દક્ષિણામાં PoK માંગ્યું
આર્મી પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં ચિત્રકૂટ ગયા હતા, જ્યાં તેઓ જગદગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. જગદગુરુ રામભદ્રાચાર્યએ તેમની પાસેથી પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર માગ્યું હતું. એટલે પીઓકે પાછું લેવાની આર્મીની પ્રમુખ પાસે દક્ષિણા માગી હતી. રામભદ્રાચાર્યએ સંતો અને તેમના શિષ્યોની સામે ભારતીય સેનાની બહાદુરીની યશોગાથા જણાવી અને જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.
સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને દીક્ષા આપ્યા પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે મેં તેમને રામમંત્રની સાથે દીક્ષા આપી હતી, જે ભગવાન હનુમાને માતા સીતા પાસેથી લીધો હતો, ત્યાર પછી લંકાનો વિજય મેળવ્યો હતો. મેં દક્ષિણા માગી છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે પીઓકે મને જોઈએ છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તુલસી પીઠ જઈને જગદ્દગુરુ રામભદ્રાચાર્ય પાસેથી આશીર્વાદ લીધા હતા. જગદ્દગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે સેના પ્રમુખ પાસેથી મેં ખાસ વસ્તુની માગણી કરી હતી. તેમણે કહ્યું કે મારે પીઓકે જોઈએ છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે પાકિસ્તાનની કૂતરાની પૂછંડી છે, જે ક્યારેય સીધી થશે નહીં. પાકિસ્તાન આમ જ ચાલતું રહ્યું તો ટૂંક સમયમાં નક્શામાંથી ગાયબ થઈ જશે. એટલે એનો અર્થ એ છે કે પાકિસ્તાન ક્યારેય સુધરશે નહીં અને એમ આ રીતે હરકતો કરતું રહ્યું તો દુનિયામાંથી ખતમ થઈ જશે.
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખુલાસો કરીને કહ્યું હતું કે ઓપરેશન ફક્ત પાંચ દિવસની ટેસ્ટ મેચ હતી, જે સેનાએ ચાર દિવસમાં જીતી હતી. સૌથી મોટી વાત એ હતી કે આ સંઘર્ષમાં આમ જનતાને કોઈ નુકસાન થયું નહોતું. ઓપરેશનનું મુખ્ય લક્ષ્યાંક આતંકવાદીઓના કેમ્પને ખતમ કરવાનો હતો, જેમાં સૌથી વધુ ટેક્નોલોજીનો વપરાશ થયો હતો. જગદગુરુના ભદ્રાચાર્યના આ નિવેદનથી ભારતની સામાજિક અને સાંસ્કૃતિક ચેતનામાં નવો જોમ પેદા થઈ શકે છે, જે ભારતવંશના લોકોમાં અધ્યાત્મ અને રાષ્ટ્રરક્ષા પ્રત્યેની ઈચ્છાશક્તિ છે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પોતાની પત્ની સાથે ચિત્રકૂટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે તુલસી પીઠમાં મંદિરની મુલાકાત સાથે જગદ્ગુરુ રામભદ્રાચાર્યની મુલાકાત કરી હતી, જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીંયા દેશના અલગ અલગ રાજ્યમાંથી તેમના શિષ્યો અને ચિત્રકૂટના કાર્યકર્તા તથા મોટા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવ્યો હતો, જે પહલગામના આતંકવાદી હુમલાનો બદલો હતો, જેમાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. ઉપરાંત, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદી છાવણીનો ખાતમો કર્યો હતો.
