Red Signal: દસમાંથી નવ રોકાણકારોને ફટકો, સેબીના અહેવાલમાં નવી વાત જાણો
Stock માર્કેટમાં રોકાણ કરનારા લોકો પાસે સમજદારીપૂર્વક રોકાણ કરવાનું જ હિતાવહ રહે છે, પરંતુ આંધળુકિયું રોકાણ કરનારા માટે ચોંકાવનારા અને સમજવાલાયક સમાચાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફચુચર એન્ડ ઓપ્શનમાં કામ કરનારા રોકાણકારોએ 1.81 લાખ કરોડ રુપિયા માર્કેટમાં ગુમાવ્યા હતા. 1.13 કરોડ રિટેલ રોકાણકારોને સૌથી મોટું નુકસાન થયું હોવાનું માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું. એનાથી સૌથી મોટા ચોંકાવનારા ન્યૂઝ એ હતા કે એફ એન્ડ ઓ એટલે ફ્ચુચર એન્ડ ઓપ્શન (F & O)માં દસમાંથી નવ રોકાણકારોને ફટકો પડ્યો હતો.
સરેરાશ એક વ્યક્તિને 1.60 લાખનો ફટકો
સેબીના સ્ટડીમાં જણાવ્યાનુસાર ઈન્ડિવિડ્યુલ કેટેગરીમાં સરેરાશ એક વ્યક્તિને 1.60 લાખ રુપિયાનું નુકસાન થયું હતું. બીજી બાજુ નુકસાનની કેટેગરીમાં સરેરાશ એક ટ્રેડરે બે લાખ રુપિયા ગુમાવ્યા હતા. એનાથી વિપરીત ફાયદો કમનારાની કેટેગરીમાં સરેરાશ એક વ્યક્તિને ત્રણ લાખ રુપિયાનો ફાયદો થયો હતો.
28 લાખ રુપિયા સુધીનો ફટકો રોકાણકારને
ત્રણ વર્ષમાં 93 ટકા (એક કરોડથી વધુ) રિટેલ રોકાણકારોને સરેરાશ બે લાખ રુપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. નુકસાનમાં રહેનારી ટોચના 3.5 ટકા ટ્રેડર્સમાં ચાર લાખ લોકોને સરેરાશ 28 લાખ રુપિયાનું નુકસાન ત્રણ વર્ષમાં થયું હતું, જેમાં ટ્રાન્ઝેક્શન ખર્ચનો પણ સમાવેશ થાય છે. સેબીના અહેવાલ અનુસાર સેરારશ 7.2 ટકા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં છેલ્લા ત્રણ વર્ષમાં નફો કર્યો હતો.
એક ટકા ટ્રેડર્સને એક લાખ રુપિયાથી વધુ નફો
સેબી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ફક્ત એક ટકા ટ્રેડર્સ એક લાખ રુપિયાથી વધુ નફો રળવામાં સફળ થયા હતા. સેબીનો આ રિપોર્ટ ટોચના પંદર બ્રોકર્સના અહેવાલ આધારિત છે.
અહીં એ જણાવવાનું કે 2022માં 42.20 લાખ લોકો ઓપ્શનમાં ટ્રેડિંગમાં કામ કરતા હતા, જે તેની સંખ્યા 2024 સુધીમાં 85.70 લાખને પાર થઈ હતી. નાણાકીય વર્ષ 2024માં 91 ટકા પુરુષ ટ્રેડર્સને ઓપ્શન ટ્રેડિંગમાં નુકસાન થયું હતું, જ્યારે 86 ટકા મહિલાને નુકસાન થયું હતું. સરેરાશ પુરુષ કેટેગરીમાં સરેરાશ 88,804 રુપિયા તથા મહિલા ટ્રેડરની કેટેગરીમાં સરેરાશ 75,973 રુપિયાનું નુકસાન થયું હતું.
