ગુજરાતમાં મેઘતાંડવઃ ભરૂચ, વડોદરામાં પૂરનું સંકટ, નર્મદા નદીના વધુ દરવાજા ખોલ્યા
ગાંધીનગરઃ શનિવારથી ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વડોદરા, ભરુચમાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે, રાષ્ટ્રીય અને રાજ્યના ધોરીમાર્ગો પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની આવક વધતા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 30થી ફૂટથી વધુ પહોંચી છે, જ્યારે અકોટા બ્રિજ પર 36, મંગલપાંડે બ્રિજ પર 35 તથા સમા હરણી બ્રિજ પર 40 ફૂટ ઉપર પહોંચી છે, જેથી અવરજવર કરનારા લોકોને હાલાકી પડી રહી છે. દરમિયાન અમદાવાદ, મહેસાણા, પાલનપુર, રાધનપુર, ગાંધીનગર સહિત કચ્છમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. અમદાવાદમાં નદી પારના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ જાણે સ્વયંભૂ બંધ પાડ્યો હતો. વરસાદને કારણે પશુઓની સાથે મિલકતને નુકસાન થવાના અહેવાલો છે, જ્યારે ત્રણ જણનાં મોત થયા છે.
ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો
ભરુચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાણીની સપાટીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે.ગોલ્ડન બ્રિજ પર નર્મદાની જળસપાટી 26 ફૂટે પહોંચી છે, જ્યારે નદીમાં પાણી સપાટી ભયજનક સપાટી કરતા બે ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા ગોલ્ડન બ્રિજ પરથી પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. આ ઉપરાંત, મચ્છુ ડેમ 84 ટકા ભરાયો છે. દરમિયાન છોટાઉદેપુરના પાવાજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થઈ ગયા હતા. રાજ્યના વિવિધ ધોરીમાર્ગો પર પાણી ફરી વળવાને કારણે લગભગ 600થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
કચ્છ જિલ્લાના તમામ તાલુકોઓમાં ભારે વરસાદને પગલે નાના ડેમો છલકાયા છે. 61 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે નાની સિંચાઈ યોજનાના 70થી વધુ ડેમ છલકાવવાની તૈયારીમાં છે. કચ્છના મુખ્ય ડેમ પૈકી વિજય સાગર, ભારાપર, મંજલ, વાયોર, નાના અંગીય સહિત ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે કચ્છની સ્કૂલ-કોલેજમાં જાહેર રજા શિક્ષણ વિભાગે જાહેર કરી હતી. ભારે વરસાદને આજે સ્કૂલોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી, જે 12મી સપ્ટેમ્બરના લેવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની હાલત ગંભીર
દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવતા જિલ્લાના રહેવાસીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારના 1,500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 900થી વધુ લોકોને આશ્રયસ્થાનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં લોકોને ખાવાપીવાનું, ભોજન અને મેડિકલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની એડવાઈઝ જાણો
રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નાગરિકો જોગ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.ખાસ કરીને બિનજરુરી વીડિયો વાઈરલ કરીને અફવા ફેલાવવી નહીં. લોકોને ડરાવવા નહીં તેમ જ મુશ્કેલીના સંજોગોમાં વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો છે. ઈલેક્ટ્રોનિક આઈટેમ્સને ચાર્જ કરી રાખવા તથા ઈમર્જન્સીમાં 108 એમ્બ્યુલન્સની પણ મદદ લઈ શકો છો.
