February 22, 2026
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના નાશિકમાં વરસાદને કારણે સંકટ, ગોદાવરી નદીમાં પૂરની સ્થિતિ

Spread the love

નાશિકઃ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પ્રશાસન વિભાગ દ્વારા નાગરિકોને સતર્ક રહેવાનું આહવાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં નાશિકમાં ભારે વરસાદને કારણે ગોદાવરી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. નાશિકના રામકુંડ નજીકનો વિસ્તાર અને મંદિરનો અમુક ભાગ પાણીમાં ગરકાવ થવાથી લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
રામકુંડ આસપાસના મંદિરો ડૂબ્યો
ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોને નદીના પાણીમાં નહીં જવાનો અનુરોધ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી નાશિક સિટી અને આસપાસના જિલ્લામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે રવિવારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગંગાપુર ડેમમાંથી સાડા આઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેથી ગોદાવરી નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે. રામકુંડ સ્થિત અમુક મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા. શનિવારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં પાણીનું સ્તર વધતા સ્થાનિક એલર્ટ કર્યા હતા.


હનુમાનજીની મૂર્તિ અડધોઅડધ ડૂબી
ગંગાપુર ડેમ સહિત વિભિન્ન ડેમના પાણી છોડવામાં આવ્યા છે. નાશિકના હોલકર બ્રિજથી નીચે 13,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામના રહેવાસીઓને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ, નાશિકની આસપાસના ડેમના પાણીના સ્તરમાં વધારો થયો છે. દુંતોડયા મારુતિ એટલે હનુમાનજીની મૂર્તિથી અડધો અડધ પાણી આવી ગયું છે.
રત્નાગિરિ અને દહાણુમાં ભારે વરસાદ
નાશિક સિવાય મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં રત્નાગિરિના હરનાઈ અને પાલઘરના દહાણુમાં 116 મિલિમીટર અને 143 મિલિમીટર વરસાદ નોંધાયો છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગરમાં 43, નાંદેડમાં 48 અને પરભણીમાં 55 મિલિમીટર વરસાદ પડ્યો છે.
યલો એલર્ટ
મહારાષ્ટ્રના પુણે, સતારા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અનેક જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!