મિહિર શાહે એક્સિડન્ટ બાદ કોને કર્યા 30-40 કોલ? એક્સિડન્ટ બાદ 2 કલાક સુધી ક્યાં હતો આરોપી?
મુંબઈ: મુંબઈમાં ચકચાર જગાવનાર વરલી હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ બાદ આજે તેને શિવડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 16મી જુલાઈ સુધીની કસ્ટડી ફટકારવામાં આવી છે. પરંતુ આ હિટ એન્ડ રન બાદ મિહિર શાહે 30-40 કોલ કર્યા હતા. હવે તમને થશે કે આખરે મિહિર શાહે આટલા બધા કોલ કોને કર્યા હતા? ચાલો તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
મળી રહેલી માહિતી પ્રમાણે અકસ્માત બાદ મિહિર શાહ અને કાર ડ્રાઈવર બાંદ્રા કલા નગર પહોંચ્યા હતા, જ્યાં તેમની કાર બંધ પડી ગઈ હતી. અહીં પહોંચીને મિહિર શાહે તેની ગર્લ ફ્રેન્ડને 30થી 40 વખત ફોન કર્યા હતા. તે ત્યાંથી ગિરગાંવ ખાતે તેના ઘરે પહોંચ્યો હતો. બે કલાક ઊંઘી ગયો હતો. મિહિરની ગર્લ ફ્રેન્ડ તેની બહેન પૂજાની બિઝનેસ પાર્ટનર હતી.
માહિતી મળતા જ મિહિરની બહેન મિહિરને લઈને બોરીવલી આવી હતી અને અહીં ઘર બંધ કરીને મિહિર, તેની બહેન પૂજા અને માતા ફરાર થઈ ગયા હતા. એક દિવસ શાહપુરમાં રોકાયા બાદ મિહિર વિરાર પહોંચ્યો હતો અને તેની બહેન અને માતા બોરીવલી ઘરે પાછા ફર્યા હતા. વિરારમાં મિહિર એક મિત્રના ત્યાં રોકાયો હતો. મિહિરની ગર્લ ફ્રેન્ડ કોણ છે? પોલીસ એની પણ તપાસ કરશે કે કેમ એ બાબતે પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે 7મી જુલાઈના દિવસે મુંબઈના વરલી કોલીવાડા ખાતે વહેલી સવારે પ્રદીપ નાખવા અને એની મમ્મી કાવેરી નાખવાના સ્કુટરને મિહિર શાહે ટક્કર મારી હતી. જેમાં કાવેરી નાખવાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
