બેસ્ટની લાલપરીમાં પ્રવાસ કરવા મુંબઈગરાએ ખર્ચવા પડશે વધારે પૈસા?
મુંબઈઃ લોકસભા ચૂંટણી-2024ના પરિણામો જાહેર થયા અને એક પછી એક વસ્તુઓના ભાવમાં વધારો થવા લાગ્યો. હવે મુંબઈની સેકન્ડ લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસમાં પ્રવાસ કરવાનું પણ મોંઘું બનવાનું છે. મુંબઈ અને ઉપનગરોમાં બેસ્ટ દ્વારા દોડાવવામાં આવતી બસમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ વધુ પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. બેસ્ટ દ્વારા પણ ટિકિટભાડામાં વૃદ્ધિ કરવામાં આવવાના એંધાણ આપવામાં આવ્યા છે.
મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આર્થિક સહાહ કરવાનો ઈનકાર કરવામાં આવતા બેસ્ટ આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે અને હવે આ ખોટને પહોંચી વળવા માટે ટિકિટના દરમાં વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
પાલિકાના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં બેસ્ટની બસમાં પ્રવાસ કરવા માટેનું લઘુત્તમ ભાડું પાંચ રૂપિયા છે અને આગામી સમયમાં તેમાં રૂપિયા બેનો વધારો કરવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં બેસ્ટ દ્વારા પાંચ કિલોમીટરના પ્રવાસ માટેનું લઘુત્તમ ભાડું સાત રૂપિયામાંથી ઘટાડીને પાંચ રૂપિયા કરવામાં આવ્યું હતું. આ સિવાય એસી માટે આ ભાડું છ રૂપિયા અને 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આને કારણે પ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળી હતી. બેસ્ટના આ નિર્ણયને પ્રવાસીઓએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો.
બેસ્ટને થઈ રહેલાં નુકસાનમાંથી તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા 6 મહિના માટે 600 કરોડ રૂપિયા આપવાની તૈયારી દેખાડવામાં આવી હતી. પરંતુ હવે પાલિકાએ હાથ ઊંચા કરી નાખતા બેસ્ટની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે હવે બેસ્ટ પાસે ભાડાવધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
ટૂંક સમયમાં જ નાગરિકોએ વધુ એક ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે. પહેલાં લોકસભાની ચૂંટણી અને હવે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણયને મંજૂરી આપવામાં વિલંબ થાય એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે બેસ્ટ સામે આ સમસ્યામાંથી બહાર કઈ રીતે આવવું એ એક સવાલ છે.
