વોટ્સએપ પર આવ્યો મેસેજ અને એક ક્લિકમાં સેવ થશે નંબર! જાણો કેવી રીતે કામ કરશે આ નવું ટૂલ
વોટ્સએપ પર દરરોજ મિત્રો, પરિવાર અને ઓફિસના ગ્રૂપ્સમાં અસંખ્ય મેસેજિસની આપ-લે થતી હોય છે. આ મેસેજિસમાં ક્યારેક કોઈનો મોબાઈલ નંબર, મીટિંગનો સમય, કોઈ સ્થળનું સરનામું કે જરૂરી ઈમેલ આઈડી હોય છે. અત્યાર સુધી યુઝર્સે આવા મેસેજમાંથી ટેક્સ્ટ કોપી કરીને સંબંધિત એપ જેમ કે ડાયલર, ગૂગલ મેપ્સ કે કેલેન્ડરમાં મેન્યુઅલી જવું પડતું હતું. પરંતુ હવે વોટ્સએપ આખી પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સરળ બનાવવા જઈ રહ્યું છે. કંપની ‘Smart Text Actions’ નામનું એક નવું ઇન્ટેલિજન્ટ ફીચર લાવી રહી છે, જે ચેટમાં રહેલી મહત્વપૂર્ણ માહિતીને આપમેળે ઓળખીને યુઝરને સિંગલ-ટેપ શોર્ટકટ ઓપ્શન્સ પૂરા પાડશે.
શું છે WhatsApp નું ‘Smart Text Actions’ ફીચર?
આપમેળે ટેક્સ્ટ રેકગ્નિશન: આ નવું ફીચર ચેટમાં આવતા ચોક્કસ પ્રકારના ડેટાને આપમેળે ઓળખી લેશે. તેમાં ફોન નંબર, તારીખ, સમય, ઈમેલ આઈડી અને લોકેશનનું સરનામું સામેલ છે.
ડોટેડ લાઇન સંકેત: મેસેજમાં જ્યારે આવી કોઈ માહિતી મળશે, ત્યારે વોટ્સએપ તે ટેક્સ્ટના નીચે એક ઝીણી ડોટેડ લાઇન (Dotted Line) દર્શાવશે.
પૉપ-અપ મેન્યુ: યુઝર જેવો આ ડોટેડ ટેક્સ્ટ પર ટેપ કરશે, તરત જ એક સ્માર્ટ પૉપ-અપ મેન્યુ ખુલશે, જેમાં સૌથી ઉપર તે માહિતી અને નીચે તેને લગતા ઉપયોગી વિકલ્પો જોવા મળશે.
આઉટગોઇંગ મેસેજ પર પણ સપોર્ટ: આ ફીચર માત્ર સામેથી આવેલા મેસેજ પર જ નહીં, પરંતુ ખુદ યુઝરે મોકલેલા (Sent Messages) મેસેજ પર પણ સમાન રીતે કામ કરશે.
યુઝર ફીડબેક અને રોલઆઉટ સ્થિતિ
વોટ્સએપ આ ફીચરને વધુ સચોટ બનાવવા માટે યુઝર્સ પાસેથી રિવ્યુ પણ લેશે. એક્શન સિલેક્ટ કર્યા બાદ સ્ક્રીન નીચે ‘શું આ સૂચન ઉપયોગી હતું?’ તેવો ફીડબેક આપી શકાશે. જે યુઝર્સ આ શોર્ટકટ્સનો ઉપયોગ કરવા ન માંગતા હોય, તેઓ ડોટેડ લાઇનને અવગણીને સામાન્ય રીતે ચેટિંગ ચાલુ રાખી શકે છે. હાલમાં આ ફીચર Android અને iOS પર વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન વાપરતા પસંદગીના યુઝર્સ માટે ટેસ્ટિંગ હેઠળ ઉપલબ્ધ કરાયું છે. ટૂંક સમયમાં તેને તમામ સામાન્ય યુઝર્સ માટે વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.
કઈ માહિતી પર કેવા સ્માર્ટ વિકલ્પો મળશે?
. ફોન નંબર: જો ચેટમાં કોઈ નંબર હશે, તો તેના પર ક્લિક કરતાં જ સીધો ડાયલ કરવાનો (Direct Call), કોન્ટેક્ટ્સમાં સેવ કરવાનો કે નંબર કોપી કરવાનો વિકલ્પ મળશે.
. તારીખ અને સમય: કોઈ મીટિંગ કે મુલાકાતનો સમય લખેલો હશે, તો તેના પર ટેપ કરીને તેને ફોનના કેલેન્ડરમાં ઈવેન્ટ તરીકે સેવ કરવાનો અથવા વોટ્સએપ ઈવેન્ટ બનાવવાનો ઓપ્શન મળશે.
. એડ્રેસઃ કોઈપણ લોકેશન કે એડ્રેસ લખેલું હશે, તો સિંગલ ક્લિકમાં ગૂગલ મેપ્સ (Google Maps) અથવા એપલ મેપ્સ ખૂલી જશે અને સીધો રસ્તો (Navigation) જોઈ શકાશે.
. ઈમેલ આઈડી: મેલમાં આપેલી આઈડી પર ટેપ કરવાથી તમારા ફોનની ડિફોલ્ટ ઈમેલ એપ (Gmail / Mail) ખૂલી જશે અને સીધો મેલ ડ્રાફ્ટ કરી શકાશે.
