દિવાળી સફાઈનું ટેન્શન ગાયબ: નોકરિયાત મહિલાઓ માટે ઓનલાઇન હેલ્પર્સ બન્યા તારણહાર, જાણો કેટલો થાય છે ખર્ચ?

મુંબઈ: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘરોમાં સાફ-સફાઈ અને નાસ્તા-ફરસાણ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં ઓફિસ અને ઘરની બેવડી જવાબદારી સંભાળતી મહિલાઓ માટે દિવાળીની સફાઈ એક મોટો પડકાર બની રહે છે. આવી સ્થિતિમાં મુંબઈગરાઓમાં હવે ઓનલાઇન એપ્સ દ્વારા થોડા કલાકો માટે હાઉસમેઇડ કે ક્લીનિંગ હેલ્પર્સ બોલાવવાનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર કામવાળા હેલ્પર્સની માંગમાં ૬૦ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. પહેલાં જ્યાં પરિચિતો કે નિયમિત કામવાળા પર નિર્ભર રહેવું પડતું હતું, ત્યાં હવે મોબાઈલ એપ મારફતે માત્ર એકથી બે કલાક માટે ચોક્કસ કામ (જેમ કે કિચન, બાથરૂમ કે પંખા-પડદાની સફાઈ) માટે હેલ્પર્સ બુક કરવાનો વિકલ્પ ઉપલબ્ધ બનતાં મધ્યમવર્ગીય પરિવારો આ સુવિધાને હોંશે હોંશે અપનાવી રહ્યા છે.
કલાકના હિસાબે ચુકવણી: રૂપિયા 100 થી રૂપિયા 250નો પરવડે તેવો દર
ઓનલાઇન હાઉસકીપિંગ સેવાઓમાં આખા ઘરનું મોંઘું ડીપ ક્લીનિંગ પેકેજ લેવાને બદલે જરૂરિયાત મુજબના સમય અને કામની પસંદગી કરી શકાય છે. સામાન્ય રીતે એક કલાકના કામ માટે રૂપિયા 100થી રૂપિયા 250 અને 2 કલાકના સઘન કામ માટે રૂપિયા 200થી રૂપિયા 400 સુધીનો ખર્ચ થાય છે. સાવરણી-પોતા, ડસ્ટિંગ, વાસણ માંજવા તેમજ માત્ર રસોડું કે બાથરૂમ સાફ કરવા માટે ચોક્કસ સમય માટે મહિલા હેલ્પરને બોલાવી શકાય છે, જેનાથી બજેટ નિયંત્રણમાં રહે છે.
નોકરિયાત મહિલાઓને દોડધામમાંથી મુક્તિ
દિવાળી ટાણે ઓફિસ કામકાજ, ખરીદી, બાળકોની તૈયારીઓ અને ઘરમાં મહેમાનોના આગમન વચ્ચે સફાઈ માટે પૂરતો સમય મળતો નથી. આવી સ્થિતિમાં એપથી મનપસંદ સમયે મદદ મળી જતાં મહિલાઓનો કિંમતી સમય બચી રહ્યો છે અને શારીરિક થાક કે તણાવ વગર ઘર ચકાચક થઈ જાય છે. વડીલો અને સિનિયર સિટીઝન દંપતીઓ માટે પણ આ સુવિધા આશીર્વાદરૂપ બની છે.
કામવાળી બહેનોની કમાણીમાં બે થી ત્રણ ગણો વધારો
આ ડિજિટલ સેવાઓથી માત્ર શહેરીજનોને જ ફાયદો નથી થયો, પરંતુ ઘરેલું કામ કરતી મહિલાઓને પણ દિવાળીના તહેવારમાં મોટી વધારાની આવક મળી રહી છે. નિયમિત ઘરોના કામ સિવાય દિવસમાં બેથી ત્રણ વધારાના કલાકો ઓનલાઇન બુકિંગ દ્વારા ફાળવીને આ મહિલાઓ તહેવારોમાં રૂપિયા 2000થી રૂપિયા 3000 સુધીની વધારાની રોકડ કમાઈ રહી છે. પહેલાં જ્યાં દિવસમાં માંડ બે-ત્રણ કોલ આવતા હતા, ત્યાં હવે રોજ ૬ થી ૭ ઓર્ડર મળી રહ્યા હોવાનું કામદારોએ જણાવ્યું છે
જો તમે પણ એની તાત્કાલિક કામ પૂરા કરવા માગતા હોય તો આ સાઈટ પર રજિસ્ટ્રેશન કરીને હેલ્પ લઈ શકો. https://www.snabbit.com/,(https://www.withpronto.com/ અને https://www.urbancompany.com/mumbai પર મદદ લઈ શકો.
