કોઈ યાદ કરે ત્યારે નહીં પણ આ કારણથી આવે છે હેડકી! જાણો અચાનક હેડકી આવવાનું સાયન્ટિફિક સિક્રેટ…
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે કોઈ આપણને દિલથી યાદ કરે ત્યારે હેડકી (Hiccups) આવે છે. પરંતુ વિજ્ઞાન અને તબીબી શાસ્ત્ર અનુસાર આ વાતમાં કોઈ તથ્ય નથી. હિચકી આવવી એ આપણા શરીરની એક સંપૂર્ણપણે કુદરતી અને બાયોલોજિકલ પ્રક્રિયા છે, જે શરીરના સ્નાયુઓના અચાનક સંકોચાવવા સાથે જોડાયેલી છે. મેડિકલ સાયન્સ મુજબ, આપણી છાતી અને પેટની વચ્ચે રહેલા મહત્વપૂર્ણ સ્નાયુ જેને ‘ડાયાફ્રામ’ કહેવામાં આવે છે, તેમાં આવતી અચાનક ખલેલ કે ઉત્તેજના હેડકીનું મુખ્ય કારણ બને છે. આજે આપણે આ સ્ટોરીમાં હેડકી આવવાના કારણો અને તેને કઈ રીતે રોકી શકાય એના વિશે વાત કરીશું.
હિચકી પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?
ડાયાફ્રામ સ્નાયુ શ્વાસ લેતી વખતે નીચે તરફ જાય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે ઉપર આવે છે. જ્યારે આ સ્નાયુમાં અચાનક બળતરા કે ઉત્તેજના થાય છે, ત્યારે તે ઝડપથી સંકોચાઈ જાય છે. ડાયાફ્રામ અચાનક સંકોચાવાને કારણે ફેફસાં ઝડપથી હવા અંદર ખેંચે છે, જેનાથી આપણી ગ્લોટિસ (વોકલ કોર્ડ્સ) ક્ષણભરમાં બંધ થઈ જાય છે અને તેમાંથી વિશિષ્ટ ‘હિચ’ જેવો અવાજ ઉત્પન્ન થાય છે.
વાત કરીએ હેડકી આવવાના કારણો વિશે તો સામાન્યપણે ઘણી વખત ઝડપથી ખોરાક ચાવ્યા વગર ગળી જવો કે ખાતી વખતે હવા પેટમાં જતી રહેવાને કારણે હિચકી આવે છે. આ સિવાય વધારે પડતો તીખો કે ગરમ ખોરાક લેવાથી અન્નનળીમાં સેન્સેશન થાય છે અને હિચકી આવે છે. ઘણા કિસ્સામાં તો કાર્બોનેટેડ ડ્રિંક્સ જેવા કે સોડા, કોલ્ડ ડ્રિંક્સ કે ગેસવાળા પીણાં પીવાથી પણ આ સમસ્યા સતાવી શકે છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી એટલે અચાનક ગરમમાંથી ઠંડું પીવું અથવા અતિશય ઉત્તેજના અને માનસિક તણાવ થાય છે જેને કારણે પણ હિચકી આવી શકે છે.
હિચકીને તાત્કાલિક રોકવાના અસરકારક ઘરેલું ઉપાયો
જો તમને પણ અચાનક હેડકી એટલે કે હિચકી લાગે છે તો તેને રોકવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો છે, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે-
શ્વાસ રોકી રાખવો: ઊંડો શ્વાસ લઈને 10થી 15 સેકન્ડ સુધી રોકી રાખવાથી લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું સ્તર સહેજ વધે છે, જે ડાયાફ્રામને રિલેક્સ કરવામાં મદદ કરે છે.
. ઠંડુ પાણી ધીમે-ધીમે પીવું: બરફવાળું ઠંડું પાણી ધીમે-ધીમે ઘૂંટડે-ઘૂંટડે પીવાથી વેગસ નર્વ ઉત્તેજિત થાય છે અને હિચકી અટકી જાય છે.
. ખાંડ અથવા મધ: એક ચમચી ખાંડ કે મધ ધીમે-ધીમે જીભ પર ઓગાળવાથી મોં અને ગળાના સેન્સર્સ ડાયવર્ટ થાય છે.
. ઘૂંટણ છાતી તરફ વાળવા: આગળ ઝૂકીને ઘૂંટણને છાતી તરફ દબાવવાથી ડાયાફ્રામ પરનું દબાણ સામાન્ય થઈ જાય છે.
