ચોમાસામાં મેલેરિયાનો ફફડાટઃ સરકારે 6.51 કરોડની વસ્તીનું કરાવ્યું સર્વેલન્સ, 26 લાખ બ્રીડિંગ સાઈટ્સનો નાશ
ચોમાસાની શરૂઆત થતાં જ વાહકજન્ય રોગોને નાથવા આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે સક્રિય; હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને ફોગિંગ કામગીરી તેજ
ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારે સતર્કતાના ભાગરુપે ‘રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડેન્ગ્યુના 65,000થી વધુ સેમ્પલની કરી તપાસ
આ અભિયાન હેઠળ વર્ષ-૨૦૨૬માં મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ જણાતા તમામ ૪૮૬ દર્દીઓને તંત્ર દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના સચોટ નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સંલગ્ન ૪૨ હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુ માટે ૬૫,૨૯૩ અને ચિકુનગુનિયા માટે ૯,૯૬૩ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
19,500થી વધુ ટીમને સર્વેલન્સમાં સમાવી લીધી
મચ્છરોનો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો સીધી નાગરિકોના ઘર સુધી પહોંચી રહી છે. આ વર્ષે હાઉસ-ટુ-હાઉસ ઝુંબેશના બીજા રાઉન્ડ અંતર્ગત ૧૯,૫૦૦થી વધુ આરોગ્ય ટીમોએ ૬.૫૧ કરોડથી વધુની વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લીધી હતી. આ હાઉસ-ટુ-હાઉસ સર્વે દરમિયાન તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરી મેલેરિયાના ૨૮ નવા કેસ શોધી કાઢવામાં આવ્યા હતા અને તુરંત જ તેમની સારવાર શરૂ કરી દેવાઈ હતી.
29 લાખથી વધુ બીડિંગ સાઈટ્સનો કર્યો નાશ
મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૨૯ લાખથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો -બ્રીડિંગ સાઇટ્સ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મચ્છરોના સફાયા માટે ૩ લાખથી વધુ ઘરોમાં ફોગિંગ -ધુમાડો કરવામાં આવ્યું છે. મચ્છરોનો ફેલાવો અટકાવવા કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા ૪,૯૯૮ સ્થળો પર મચ્છરોના પોરા ખાઈ જતી ખાસ ‘પોરાભક્ષક’ -લાર્વીવોરસ માછલીઓ મૂકવામાં આવી છે. તદુપરાંત, રાજ્યના સંવેદનશીલ ૨૪ જિલ્લાના ૧૧૬ ગામોની ૧.૦૬ લાખની વસ્તીને જંતુનાશક દવાના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવાઈ છે, જ્યારે આ દવાનો બીજો રાઉન્ડ આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે.
