H-1B વિઝા ફી વધારામાં રોક: ટ્રમ્પ સરકારને ઝટકો, ભારતીયો માટે આવ્યા રાહતના સમાચાર
અમેરિકા-ઈઝરાયલના ઈરાન વચ્ચે ફરી યુદ્ધ થવાના માહોલ વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ થવાના સમાચાર છે, પરંતુ એની વચ્ચે ટ્રમ્પ પ્રશાસનને નવો ઝટકો લાગ્યો છે. અમેરિકાના એચ-1બી વિઝા કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. એચ-1બી વિઝા પ્રોગ્રામ હેઠળ અન્ય દેશના કામદાર પર લગાવવામાં આવેલા એક લાખ ડોલરની ફીના પ્રસ્તાવ પર ફેડરલ કોર્ટે રોક લગાવી છે. ફેડરલ કોર્ટે આદેશ આપતા જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલી ફી ગેરકાયદે છે, જે યુએસ કોંગ્રેસ દ્વારા માન્ય કરી નથી.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી ફી વિરુદ્ધ કેસ કર્યો હતો અને કેસમાં દલીલ કરવામાં આવી હતી કે આ ફીથી એચ-1બી વિઝા મેળવવાનો ખર્ચ વધ્યો છે. જોકે, કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી છે. કોર્ટના આદેશને કારણે ભારત સહિત અન્ય દેશના કામદારોને નોંધપાત્ર રાહત મળી છે, જે અમેરિકામાં કામ કરવા ઈચ્છતા હોય તેમને મોટી રાહત મળશે.
કોર્ટમાં ખાસ દલીલ કરવામાં આવી હતી એચ-વનબી વિઝા કાર્યક્રમનો દુરુપયોગ અમેરિકન કર્મચારીઓને દૂર રાખવા અને અન્ય દેશના કામદારોને ઓછા પગાર પર રાખવા માટે થઈ રહ્યો છે. જોકે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા એવી દલીલ કરી હતી કે એચ-1બી વિઝા કાર્યક્રમનો દુરુપયોગ નેશનલ સિક્યોરિટી માટે જોખમ છે, કારણ કે મૂળ અમેરિકન્સને સાયન્સ અને ટેક્નોલોજીમાં કેરિયર બનાવવાથી અટકાવે છે, જે અમેરિકન્સ માટે જોખમી છે.
નવા H-1B વિઝા માટે લેવામાં આવતી ભારે ફી એ દંડ નથી પરંતુ એક ટેક્સ છે. આ જાહેર કરવા માટે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પાસે કોંગ્રેસ તરફથી કોઈ અધિકાર નહોતો. તેને અમેરિકી વિદેશ વિભાગ અને અમેરિકી નાગરિકત્વ અને ઇમિગ્રેશન સેવાઓ (US Citizenship and Immigration Services) લાગુ કરી શકે તેમ નહોતું.
ફેડરલ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે વિઝા અંગેની આ નીતિ ટ્રમ્પના અધિકારક્ષેત્રની બહાર છે અને શિક્ષણ તેમ જ સ્વાસ્થ્ય સેવા સહિતના મુખ્ય જાહેર ક્ષેત્રો (Public Sectors) માટે નુકસાનકારક સાબિત થશે. ડિસ્ટ્રિક્ટ જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘કોર્ટને જાણવા મળ્યું છે કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી અધિકાર આપ્યા વિના H-1B વિઝા અરજીઓ પર ટેક્સ લગાવે છે.’
અમેરિકન સરકારે કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરવાની વાત કહી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રને ભરોસો છે કે અપીલ કરવા પર આ આદેશ બદલી (ઉલટાવી) દેવામાં આવશે. એચ-૧બી (H-1B) વિઝા દર વર્ષે 65 હજાર વિદેશી કામદારોને આપવામાં આવે છે. સાથે જ ઉચ્ચ શિક્ષણ મેળવેલા કામદારો માટે ત્રણથી 6 વર્ષ માટે 20,000 વધારાના વિઝા પણ આપવામાં આવે છે. મંજૂર થયેલા H-1B વિઝામાંથી 70 ટકાથી વધુ વિઝા ભારતીય પ્રોફેશનલ્સને મળે છે. વિદેશી કામદારો માટે વિઝા ઈચ્છતા અમેરિકન નોકરીદાતાઓ (વર્કર્સ) સામાન્ય રીતે 2000થી 5000 ડૉલર સુધીની ફી ચૂકવતા હતા, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 લાખ ડૉલરની જંગ ફી લગાવી દીધી હતી.
