ફિલિપાઈન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ: સુનામીની ચેતવણીથી ફફડાટ
પૃથ્વી પર અમંગળના એંધાણ વચ્ચે ફિલિપાઈન્સના દક્ષિણ હિસ્સામાં સોમવારે સવારના 7.8 મેગ્નિટયૂડનો એક જોરદાર ભૂકંપ આવ્યો એના પછી સમગ્ર વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ વિસ્તાર હતું. ભૂકંપને કારણે વીજ વ્યવહારને અસર થઈ હતી, જ્યારે સ્થાનિક લોકોને ઊંચી જગ્યાએ જવાની અપીલ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માલ-મિલકતને નુકસાન થયું છે.
ફિલિપિન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુના જનરલ સેન્ટોસ શહેરથી 13 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપનો લોકલ ટાઈમ સવારના 7.37 વાગ્યાનો હતો.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું છે કે ફિલિપાઈન્સના અમુક દરિયાઈકિનારા પર ત્રણ મીટર સુધીની સુનામીની લહેરો ઊઠી શકે છે. ઈન્ડોનેશિયા અને મલેશિયાના અમુક દરિયાકિનારા પર એક મીટર સુધીની ઊંચી લહેરો ઊઠી શકે છે. ફિલિપિન્સ ઈન્સ્ટિટ્યૂટના હેડ ટેરેસિટોએ લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકોને આ સંજોગોમાં ઊંચી જગ્યાએ જવાની સલાહ આપી છે. ઉપરાંત, તાઈવાન, જાપાન, ગુઆમ, પાપુઆ-ન્યૂ ગિનિ અને પશ્ચિમી પ્રશાંત મહાસાગરના અનેક ટાપુ પર સુનામીની લહેર આવી શકે છે.
ઈન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી અને ઉત્તરી માલુકુ પ્રાંતમાં રહેનારાએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ફિલિપાઈન્સ દુનિયાના સૌથી કુદરતી આફતથી ઘેરાયેલા દેશ પૈકીનો એક છે. આ દેશમાં સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખીની ચપેટમાં આવે છે.
પ્રશાંત મહાસાગરની ચારેબાજુ તીરાડનો એક ગોળો છે, જેને રિંગ ઓફ ફાયર કહે છે. અહીંના ટાપુ પર દર વર્ષે 20 તોફાન-ચક્રવાત અને ટ્રોપિકલ તોફાન આવે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર સવારના 5.07 વાગ્યાથી 6.25 વાગ્યા સુધી ભૂકંપના ત્રણ આંચકા અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર ધરતીના પેટાળમાંથી 93 કિલોમીટર નીચે હતું.
