દેશમાં ગામડાની મહિલાઓ વધુ દારુનું સેવન કરે છેઃ સર્વેમાં મોટો ખુલાસો
NFHS સર્વે: દેશમાં પુરુષોમાં દારૂનું સેવન વધ્યું, જ્યારે તમાકુ અને દારૂના વપરાશમાં મહિલાઓનો ગ્રાફ ઘટ્યો; અરુણાચલ પ્રદેશ દેશમાં મોખરે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર દેશની શહેરની મહિલાઓની તુલનામાં ગ્રામીણ મહિલાઓ વધુ દારુ પીવે છે એની સાથે મહિલાઓમાં દારુ પીવાના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ગ્રામીણ ક્ષેત્રમાં મહિલાઓની સાથે સાથે પુરુષો પણ દારુનું સેવન વધારે કરે છે. પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પુરુષો અને મહિલાઓ બંનેમાં દારુ પીવાનું પ્રમાણ સૌથી વધારે છે.
સર્વે અનુસાર દેશમાં પંદર વર્ષ અથવા એનાથી વધુ ઉંમરની મહિલાઓમાં દારુ પીવાના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના સર્વેની તુલનામાં મહિલાઓના દારુ પીવાનું પ્રમાણ ઘટીને 1.1 ટકા થયો છે, જ્યારે અગાઉ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5)માં એનો દર 1.3 ટકા હતો. નવા અભ્યાસમાં શહેરી ક્ષેત્રમાં સરેરાશ 0.5 ટકા મહિલા દારુ પીવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં એનું પ્રમાણ 1.4 ટકાએ પહોંચી ગયું છે.
ગામડાઓમાં સૌથી વધુ સેવન
મહિલાઓની તુલનામાં પુરુષો વધુ દારુનું સેવન કરે છે. પુરુષોમાં દારુ પીવાનું પ્રમાણ વધ્યું છે. એનએફએચએસ-5 રિપોર્ટમાં જ્યાં દેશમાં 18.7 ટકા પુરુષો દારુ પીતા હતા, જ્યારે હવે એનું પ્રમાણ 0.02 ટકા વધ્યું છે એટલે અત્યારે 18.09 ટકા થયું છે. શહેરી વિસ્તારોમાં 15.5 ટકાની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં 20.6 ટકા પુરુષો દારુ પીવે છે.
તમાકુ ખાવાની બાબતમાં મહિલાઓમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના સર્વેમાં 8.9 ટકાથી ઘટીને 8.4 ટકા રહ્યો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ દર દસ ટકા છે. 36.3 ટકા પુરુષો તમાકુનું સેવન કરે છે, જેમાં 41 ટકાથી વધુ ગ્રામીણ વિસ્તારમાં રહેનારા લોકો છે. પૂર્વોત્તર રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં દર બીજી વ્યક્તિ દારુનું સેવન કરે છે. અરુણાચલ પ્રદેશમાં પંદર વર્ષ અને એનાથી વધુ ઉંમરના 50.5 ટકા પુરુષો દારુ પીતા હતા. એના પછી તેલંગણા 43 ટકા, સિક્કિમ 42 ટકા, છત્તીસગઢમાં 38.3 ટકા અને ઝારખંડમાં 33.6 ટકા છે.
ગોવામાં દારુના સેવનમાં થયો ઘટાડો
લોકપ્રિય પર્યટન સ્થળ ગોવામાં, દારૂના સેવનના દરમાં ઘટાડો થયો છે. અગાઉના સર્વેક્ષણોની તુલનામાં, મહિલાઓમાં દારૂ પીવાનો દર અડધાથી વધુ ઘટી ગયો છે. NFHS-5 સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓમાં દારૂ પીવાનો દર 5.5 ટકા હતો, પરંતુ નવા સર્વેક્ષણમાં આ દર અડધો ઘટીને 2.1 ટકા થયો છે. જ્યારે અગાઉના સર્વેક્ષણમાં 36.8 ટકા પુરુષો દારૂ પીતા હતા, ત્યારે નવા સર્વેક્ષણમાં ફક્ત 22.4 ટકા લોકો દારૂ પીતા હોવાનું જાણવા મળ્યું છે.
