બર્થડે સ્ટારઃ વિનોદ ખન્નાના જન્મદિવસે જાણો તેમના અભિનય સફરની રોચક વાતો અને પિતા સાથેનો વિવાદ?
Happy Birthday Vinod Khanna: હિન્દી સિનેમાના પડદા પર પહાડી અંદાજ, ઊંચી કદ કાઠી અને પોતાની શરતો પર જીવનારા સુપરસ્ટારની વાત કરવામાં આવે તો પહેલું નામ વિનોદ ખન્નાનું લઈ શકાય. છઠ્ઠી ઓક્ટોબરના આજના જન્મદિવસે એટલું તો કહી શકાય કે વિનોદ ખન્ના એક સફળ અભિનેતા નહોતા, પરંતુ તેઓ અમિતાભ બચ્ચનને ટક્કર આપનારા એક માત્ર એંગ્રી યંગ મેન હતા. હિન્દી ફિલ્મોમાં વિલનથી લઈને મહાનાયક સુધીની સફરનું ખેડાણ કર્યું હતું અને એન્ટ્રી પર એવી રસપ્રદ રહી હતી કે જાણે ફિલ્મી સ્ટોરી.
એવું કહેવાય છે કે વિનોદ ખન્નાની સફરની શરુઆત એક બંદુકની ગોળી અને પિતાની ચેતવણીથી થઈ હતી જેને લઈ સમગ્ર પરિવારમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. વાત 1960ના દાયકાના અંતિમ વર્ષોની વાત છે. છઠ્ઠી ઓક્ટોબર 1946માં પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્નાનો પરિવાર ભાગલા પછી મુંબઈ સ્થાયી થયો હતો. પિતા કિશનચંદ ખન્ના એક ઉદ્યોગપતિ હતા. તેમનો કપડા અને કેમિકલનો બિઝનેસ હતો.
પિતાનું પણ સપનું હતું કે દીકરો ભણી ગણીને પિતાનો વ્યવસાય સંભાળે એવું ધાર્યું હતું. વિનોદ ખન્નાએ મુંબઈની સિડેનહેમ કોલેજમાંથી કોમર્સનો અભ્યાસ કર્યો, પરંતુ કોલેજના દિવસોમાં થિયેટરનું ભૂત સવાર થયું હતું. જ્યારે ઘરમાં જાહેર કર્યું કે તેઓ ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે ત્યારે પરિવારમાં ભૂકંપ આવ્યો હતો. પિતા કિશનચંદનો પારો છટક્યો હતો.
પિતાએ કહ્યું હતું કે હું તને જાનથી મારી નાખીશ
પિતા કિશનચંદ ખન્ના બિઝનેસ કરવામાં માહેર હતા, જ્યારે એ જમાનામાં એવું માનવામાં આવતું કે ખાનદાનવાળા પરિવારના લોકો ક્યારેય ફિલ્મોમાં કામ કરતા હોતા નથી. વિનોદની વાત સાંભળીને પિતા ગુસ્સાથી લાલ થઈ ગયા હતા. વાત એટલી હદે બગડી ગઈ કે કિશનચંદે પિસ્તોલ કાઢી અને સીધી વિનોદ ખન્નાના લમણા પર તાકવામાં આવી હતી અને કહ્યું હતું કે જો ફિલ્મો કરવાની જીદ છોડીશ નહીં તો હું તને ગોળી મારી દઈશ.
જો નિષ્ફળ જઈશ તો ચૂપચાપ બિઝનેસ સંભાળજે
પિતાની વાત સાંભળીને પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈને એ વાત પણ સમજાઈ નહોતી કે વચ્ચે પડીને વિનોદને બચાવવામાં આવે. વિનોદ ખન્નાની માતા હિંમત કરીને પતિનો હાથ પકડ્યો અને વિનોદનો જીવ બચાવ્યો હતો. કલાકો સુધી ચાલેલા વિવાદને અંતે પિતાનો પારો નીચે ઊતર્યો હતો, પણ વિનોદ ખન્ના માટે શરત મૂકવામાં આવી હતી અને કહ્યું હતું કે તને બે વર્ષનો સમય આપવામાં આવશે, એ સમયમાં જે કરવું હોય એ કરે અને બે વર્ષમાં ફિલ્મોમાં કંઈ કર્યું નહીં તો ચૂપચાપ મારા બિઝનેસને સંભાળવાનો રહેશે. વિનોદ ખન્નાએ હાના કર્યા વિના પિતાની વાત માની લીધી.
બે વર્ષના અલ્ટિમેટમ પહેલા ફિલ્મો મળવા લાગી
વિનોદ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી એ પણ વિલનના અભિનયમાં. સુનીલ દત્ત 1968માં મન કા મીત લોન્ચ કરી રહ્યા હતા, જેમાં વિનોદ ખન્નાને વિલનનો અભિનય ઓફર કરવામાં આવી હતી. એ જમાનામાં એવું પણ માનવામાં આવતા નવા કલાકારો શરુઆતમાં વિલનનો અભિનય કરે ત્યારે આજીવન નેગેટિવ રોલમાં ફીટ થઈ જતા પણ વિનોદ ખન્નાએ રોલ સ્વીકારી લીધો. પહેલી ફિલ્મમાં ભલે સાઈડલાઈનનો રોલ મળ્યો હતો, પરંતુ તેના અભિનયની સૌએ નોંધ લીધી હતી. પિતાના બે વર્ષના અલ્ટિમેટમ પહેલા પ્રોડ્યુસરે વિનોદ ખન્નાના ઘરે પહોંચ્યા હતા, જ્યારે ફિલ્મમાં લેવા માટે તૈયારી કરી દીધી હતી.
‘મન કા મીત’માં કામ કર્યા પછી વિનોદ ખન્નાએ ‘મેરા ગાંવ મેરા દેશ’માં ડાકુ જબ્બાર સિંહનો અભિનય કર્યો હતો. મેરા ગાંવ મેરા દેશ ફિલ્મમાં ડાકુનો જે અભિનય કર્યો એમાં છવાઈ ગયા હતા. આજની તારીખે પણ એ ફિલ્મમાં વિનોદ ખન્નાના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. એના પછી વિનોદ ખન્નાએ ‘અમર અકબર એન્થની’, ‘મુકદર કા સિકંદર’, ‘ધ બર્નિંગ ટ્રેન’ સહિત ‘કુરબાની’ વગેરે ફિલ્મો સુપરહીટ થઈ હતી.
70ના દાયકાના અંતમાં બિગ બીને ટક્કર આપવા લાગ્યા હતા. વર્ષો સુધી પોતાના સ્ટારડમને ટકાવી રાખ્યું અને એના પછી ઓશોના આશ્રમમાં સંન્યાસી બન્યા અને એનો મોહ પૂરો થયા પછી ઘરસંસારમાં પાછા ફર્યા એટલું જ નહીં, બોલીવુડમાં કામ કર્યું. ઈન્સાફ, દબંગ જેવી લોકપ્રિય ફિલ્મોમાં તેમના અભિનયની નોંધ લેવામાં આવી હતી. હકીકતમા પિતાની ધાકધમકી આગળ નહીં ઝૂકનારા દીકરાએ પિતાજી પરિવારને બતાવી દીધું હતું કે જે કામ કરવામાં પૈસા મળે એ ક્યારેય ખોટું હોતું નથી.
