શું બોલીવૂડ પર ફરી અંડરવર્લ્ડ હાવી થઈ રહ્યું છે? માયાનગરીમાં કેમ પાછો ફર્યો ગેંગસ્ટર્સનો ખોફ? વાંચો ઇનસાઇડ સ્ટોરી
માયાનગરી મુંબઈ અને બોલીવૂડ વચ્ચેનો સંબંધ ખૂબ જ ગ્લેમરસ રહ્યો છે અને એની સાથે સાથે જ તેનો કાળો ભૂતકાળ એટલો જ લોહિયાળ પણ રહ્યો છે. હાલમાં જે રીતે એક પછી એક બોલિવૂડ સ્ટાર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગલિયારાઓમાં ૯૦ના દાયકાના એ કાળા દિવસોનો ભય ફરી જીવંત કરી દીધો છે.
ટાઈગર શ્રોફ પર થયેલો જીવલેણ હુમલો હોય, અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાને ઉડાવી દેવાની ધમકી હોય કે પછી આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને નિશાન બનાવવાની ઘટનાઓ આ તમામ કિસ્સાઓ સંકેત આપી રહ્યા છે કે માયાનગરીમાં ક્યાંક ને ક્યાંક ગુનાહિત તત્વો ફરી સળવળાટ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોમાં હવે એ જ સવાલ ગુંજી રહ્યો છે: શું બોલિવૂડ પર ફરી એકવાર અંડરવર્લ્ડ પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે?
1990ના દાયકાનો એ કાળો ઈતિહાસ: ખંડણી, હત્યાઓ અને સતત ભય
1990ના દાયકામાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને અબુ સાલેમ જેવા ગેંગસ્ટર્સ સીધા બોલિવૂડને કંટ્રોલ કરતા હતા. કઈ ફિલ્મમાં કોણ કામ કરશે, કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને ઓવરસીઝ રાઈટ્સ કોને મળશે તે અંડરવર્લ્ડ નક્કી કરતું હતું. ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારની જાહેરમાં હત્યા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પર થયેલા ગોળીબારે આખી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. શાહરૂખ ખાન, સલમાન ખાન અને મહેશ ભટ્ટ જેવા દિગ્ગજોને ખંડણી માટે સતત ફોન કોલ્સ આવતા હતા. મુંબઈ પોલીસે આકરી કાર્યવાહી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ્સની મદદથી અંડરવર્લ્ડની કમર તોડી નાખી હતી, જેના પછી ઈન્ડસ્ટ્રી કોર્પોરેટાઈઝ થઈ અને સ્ટાર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
વર્તમાન ધમકીઓ: માત્ર ફેક કોલ્સ કે સંગઠિત સિન્ડિકેટનો પગપેસારો?
હાલમાં જે ઘટનાઓ બની રહી છે, તેના તાર અલગ-અલગ દિશામાં ફેલાયેલા જોવા મળે છે. આયુષ્માન ખુરાના કેસમાં બેંગલુરુથી ઝડપાયેલો શખ્સ પ્રોફેશનલ આઈટી એન્જિનિયર નીકળ્યો. આ બાબત દર્શાવે છે કે હવે માત્ર લોકલ ગુંડાઓ જ નહીં, પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ સેલેબ્સને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ જેવી સંગઠિત સિન્ડિકેટ્સ જે રીતે ઉત્તર ભારતથી લઈને મુંબઈ સુધી નેટવર્ક ફેલાવી રહી છે, તેનાથી સાબિત થાય છે કે દેશમાં નવી પેઢીની ગેંગ્સ બોલિવૂડ પર પોતાનો દબદબો બનાવવા આતુર છે.મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મતે, આમાંના કેટલાક કેસ પબ્લિસિટી મેળવવા કે ધ્યાન ખેંચવા માટે કરવામાં આવતા હોક્સ (Hoax) કોલ્સ પણ હોય છે. પરંતુ ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા પછી પોલીસ કોઈપણ ધમકીને હળવાશથી લેવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી.
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ મોડ પર
સેલેબ્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચન જેવા મેગાસ્ટાર પણ હવે બુલેટપ્રૂફ કાચ પાછળથી પ્રશંસકોને મળી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટિ-એક્સ્ટોર્શન સેલ દ્વારા શંકાસ્પદ આઈપી એડ્રેસ, વિદેશી વર્ચ્યુઅલ નંબરો અને જેલોમાંથી ઓપરેટ થતા ગેંગસ્ટરોના કોલ રેકોર્ડ્સ પર 24 કલાક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. મોટા પ્રોડ્યુસર્સ હવે પોતાની મુવમેન્ટ્સ અને ઈવેન્ટ્સની માહિતી ગુપ્ત રાખી રહ્યા છે, જેથી અંડરવર્લ્ડ કે અસામાજિક તત્વોને કોઈ મોકો ન મળે.
