સુરતમાં શ્રમિકોનું ‘પલાયન’ અને ‘મંદી’નો માર: શું ‘PM મિત્ર પાર્ક’ ટેક્સટાઈલ ઉદ્યોગને ‘મંદી’માંથી ઉગારશે?
કાપડ ઉદ્યોગમાં મંદી વચ્ચે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહે સુરતમાં રોકાણકારો સાથે યોજી મહત્ત્વની બેઠક

સુરત: ગુજરાતના સુરતમાંથી હજારો શ્રમિકોએ ઉચાળા ભરીને માદરે વતન પહોંચી રહ્યા છે, જેને લઈ સરકાર હરકતમાં આવી ગઈ છે. વધતી મોંઘવારી વચ્ચે કાપડ ઉદ્યોગના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની સાથે અમુક વ્યાવસાયિક એકમો બંધ કરવાને કારણે મંદી ઘેરી બની રહી હોવાથી શ્રમિકો ઘરે પહોંચતા ઘરચલો અભિયાન હાથ ધરવાથી સરકાર પણ સક્રિય બની છે.
રોજના યુનિટમાં બાર કલાકથી વધુ કામ કર્યા પછી સમયસર પગાર નહીં મળતો નથી. એટલું જ નહીં, 30-30 દિવસ કામ કર્યા પછી કર્મચારીઓ બીમારી કે થાકના કારણે રજા લે તો પગાર કપાઈ જાય છે. સાત-આઠ મહિના પછી કર્મચારી ગામડે જવાની રજા માગે તો માલિકો પગાર રોકી લેવાની સાથે નોકરીમાંથી કાઢી મૂકવાને કારણે હજારો કર્મચારીઓએ ગાંવ ચલો આંદોલન ચાલુ થયું છે જેમાં લાખો કર્મચારી જોડાઈને વતન જવા માટે ટ્રેનો પકડી લીધી છે. જોકે એને લઈ કેન્દ્રીય મંત્રી દોડતા આવીને નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી હતી.
કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહના અધ્યક્ષ સ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્ર પાર્ક સંદર્ભે ઉદ્યોગકારો, ઈન્વેસ્ટરો સાથે બેઠક યોજાઈ હતી. સુરતના કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત કરવા સાથે ‘PM મિત્ર પાર્ક’ને વધુ ઉદ્યોગ અનુકુળ બનાવવા સંદર્ભે રોકાણકારોના સૂચનો, રજૂઆતો સાંભળી હતી. તેમણે પાર્કને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે સુરતના ઉદ્યોગપતિઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
PM મિત્ર પાર્ક ઉદ્યોગની દિશા બદલશે
કેન્દ્રીય કાપડ મંત્રીએ જણાવ્યું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપવા અને પ્રદૂષણમુક્ત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે વિશ્વકક્ષાનો ‘PM મિત્ર પાર્ક’ બનશે. નવસારીના વાંસીબોરસીમાં ૨૧૦૦ એકરમાં સાકાર થઇ રહેલો PM મિત્ર પાર્ક કાપડ ઉદ્યોગની દશા અને દિશા બદલી નાખશે. અહીં રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, વીજળી સુવિધા ઉભી કરવા માટે યુદ્ધના ધોરણે કાર્ય થઈ રહ્યું છે.
નવીનતમ અને સરાહનીય પ્રયોગો કરે છે
મંત્રીએ કહ્યું કે, દેશનો કાપડ ઉદ્યોગ હવે નવીનતમ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ મશીનોથી કાપડ ઉત્પાદન કરી રહ્યો છે. ગુજરાત અને ખાસ કરીને સુરત પાસે વિશ્વભરમાં કાપડની નિકાસ કરવાની વિપુલ ક્ષમતા છે. સુરતના સક્ષમ અને વિઝનરી ઉદ્યોગપતિઓ હાઈ ક્વોલિટીનું કાપડ તૈયાર કરવા નવીનતમ અને સરાહનીય પ્રયોગો કરી રહ્યા છે. હવે સુરતના કાપડ ઉદ્યોગકારો અને રોકાણકારો નિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બેઠકમાં રાજ્યના ટેકસટાઈલ કમિશનર વૃંદા દેસાઈ સહિત સુરતના અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગકારો, રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
