પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ, કોંગ્રેસે પણ 2013માં જનતાને આપી હતી સલાહ, સાચું?
યુદ્ધના સંજોગોમાં અર્થતંત્રને બચાવવા સ્વદેશી પર ભાર; વિપક્ષે સરકારની ટીકા કરી, ભૂતકાળની યાદ અપાવી

દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું નહીં ખરીદવાની સાથે પેટ્રોલ-ડીઝલના વપરાશ પર નિયંત્રણ લાદવાની ભલામણ કર્યા પછી સોશિયલ મીડિયા પર વિપક્ષે સરકારની ટીકા કરવાનું ચાલુ કર્યું છે. સિકંદરાબાદ પછી વડોદરા એમ બે શહેરમાં જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જનતાને ખાસ કરીને અત્યારના યુદ્ધના સંજોગોમાં લોકોને સોનું એક વર્ષ નહીં ખરીદવાની અપીલ કરી હતી. પેટ્રોલ-ડીઝલનો પણ મર્યાદિત ઉપયોગ કરવાનું કહ્યું હતું.
હૈદરાબાદ સિવાય સોમવારે ગુજરાતની મુલાકાત વખતે પણ વડોદરામાં પીએમ મોદીએ ફરી એ જ વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે લોકોએ સ્વદેશી પર ભાર મૂકો. પોતાના દુકાનદારો પાસેથી ખરીદવાનું ચાલુ રાખો. વિદેશ પ્રવાસ કરવાનું ટાળો એમ કહીને જનતાની ચિંતા વધારી દીધી છે. પીએમ મોદીની અપીલને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ તો આકરી ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે સરકાર પોતાના 12 વર્ષના શાસનની નિષ્ફળતા છુપાવવા માટે હવે બધુ જનતા પર ઢોળી રહી છે.
સરકાર બચાવ કરતા દાવો કરી રહી છે કે યુદ્ધના સંજોગો હોવાથી અર્થતંત્રને ધબકતું રાખવા માટે પોતાના દેશની મૂડી પોતાના લોકોમાં વપરાય એ જરુરી છે. વિદેશી હૂંડિયામણની પણ બચત થશે, પરંતુ હાલના તબક્કે એ વાત વિપક્ષને પસંદ પડી નથી, પરંતુ આ કોંગ્રેસના નાણા મંત્રી પી. ચિદમ્બરમે અર્થતંત્રમાં સુધારા માટે 2013માં જનતાને સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી. એ વખતની સરકારે પણ આ જ પ્રકારે દલીલ કરી હતી કે નિરંતર આયાતથી દેશના કરન્ટ એકાઉન્ટ ડેફિસિટી (સીએડી)માં વધારો થયો છે અને રુપિયો નબળો પડ્યો છે, જેમાં દેશ દેવાદાર બન્યો છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમે કહ્યું હતું કે મારી એક ઈચ્છા છે એ ભારતના લોકો પૂરી કરી શકે છે અને એ છે કે લોકો સોનું ખરીદે નહીં. ભારતની ગોલ્ડ રિઝર્વનો સ્ટોક 1.16 ટ્રિલિયન ડોલર છે, જે 1.8 ટ્રિલિયન ડોલરના જીડીપી કરતા પણ વધુ છે. મોટા ભાગના ભારતીય સોનાને સુરક્ષિત રોકાણ માને છે. મોંઘવારી સામે પણ રક્ષણ થાય છે, જે સરળતાથી વેચી પણ શકાય છે.
આગળ તેમણે કહ્યું હતું કે સોનું એક ઔંસ આયાત થાય છે અને ભારતમાં સોનાનું ઉત્પાદન પણ થતું નથી. ગ્રાહક તો સોનાની ખરીદીમાં રુપિયા આપે છે, પરંતુ સરકારને ડોલરમાં આપવા પડે છે. જો તમે એમ સમજતા હો કે તમે સોનું ખરીદો છો, પરંતુ વાસ્તવમાં તમે ડોલરથી સોનું ખરીદી કરી રહ્યા છે, તેથી તેમણે કહ્યું હતું કે જનતાએ સોનું ખરીદવાની લાલચથી બચવું જોઈએ. ટૂંકમાં જનતા એક વર્ષ સોનું ખરીદવાનું બંધ કરશે તો સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આવશે.
