લતાદીદીના પડછાયામાંથી બહાર આવી પંચમદા સાથે સંગીતનો નવો ઇતિહાસ રચનાર આશાતાઈની સફર
જાણીતા ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. 12,000થી વધુ ગીતો અને સાત દાયકાની કારકિર્દી ધરાવતા આશાતાઈના જીવન, સંઘર્ષ અને સંગીત સફર વિશે વાંચો આ ખાસ લેખમાં.

જાણીતા ગાયિકા આશા ભોસલેનું રવિવારે નિધન થયું. ભારતીય સંગીત જગતમાં તેમનું નામ લતાદીદી પછી સુપેરે લેવાતું હતું. બંને બહેનો વચ્ચે એક જમાનામાં સ્પર્ધા પણ હતી, પરંતુ એ લાંબા સમય સુધી ટકી નહોતી. લત્તા મંગેશકરના માફક તેમના રોમેન્ટિક ગીત માટે વિશેષ યાદ રાખવામાં આવશે, જ્યારે પ્લેબેક સિંગર તરીકે તેમને હંમેશાં યાદ રાખવામાં આવશે.
આશા ભોસલેના નિધનથી ભારતીય સંગીત જગતને મોટી ખોટ પડી ગઈ છે. આશાતાઈના નિધનથી દેહે ત્યાગ કર્યો છે, પરંતુ અવાજ તો વર્ષો વર્ષ સુધી ટકી રહેશે. નયા દૌરથી તીસરી મંજિલ, હરે રામા હરે કૃષ્ણાથી ઉમરાવ જાન, ઉત્સવથી લઈ ઈજ્જતથી રંગીલા સુધી. સમય બદલાયો હતો, પડદા પર અભિનેત્રીઓ બદલાઈ હતી, પરંતુ આશાતાઈ નહીં. આશા ભોસલેના અવાજમાં હંમેશા જાદુ છવાયેલો રહ્યો હતો, જેમનો અવાજ સદાય માટે જવાન રહ્યો.
બહેન લતા મંગેશકર પહેલા ક્રમે હતા તો બીજા ક્રમ માટે આશા ભોસલેની પસંદગી કરવામાં આવતી હતી, કારણ કે નંબર વન તો લતાજી હતા. પ્લેબેક સિંગર તરીકે હિન્દી ભાષા સિવાય ગુજરાતી, મરાઠી સહિત અનેક ભાષામાં ગીતો ગાયા અને યાદગાર રહી ગયા હતા મ્યુઝિક ક્ષેત્રમાં પોતાનું નામ પણ ગૂંજતું રાખવામાં સફળ રહ્યા હતા.
બહેન લતાજીનો પડછાયો બનીને રહ્યા
આશા ભોસલેનો સંગીત સાથેનો સંબંધ બાળપણથી જોડાયેલો હતો. પિતા દિનાનાથ મંગેશકરે શાસ્ત્રીય સંગીતના વિદ્વાન અને મરાઠી રંગમંચના જાણીતા કલાકાર હતા. પરિવારમાં પાંચ ભાઈ બહેન લતા, મીના, આશા, ઉષા અને પુત્ર હૃદયનાથના સૂરોની સરગમ નાનપણથી ગૂજતી હતી. બાળપણના દિવસોમાં લતા-આશાની જોડી પણ અતૂટ રહી. બહેન લતાના પગલે પગલે ચાલવામાં પણ આશાજીએ ક્યારેય નાનમ અનુભવી નહોતી એટલે સફળ પણ રહ્યા હતા.

લત્તાજી જે વર્ષે સફળ રહ્યા એ વર્ષે કદમ માંડ્યા ઈન્ડસ્ટ્રીમાં
1948માં ફિલ્મ ચુનરિયા મારફત પાર્શ્વ ગાયનમાં કદમ માંડયા અને તેમને ગીતા દત અને શમશાદ બેગમની સાથે પોતાનું પહેલું ગીત સાવન આયા રે ગાયું. એના એક વર્ષ પછી 1949માં રાત કી રાનીમાં પહેલું સોલો ગીત ગાયું. આ જ વર્ષ બહેન લતા મંગેશકર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. લતાજીનું મહેલ ફિલ્મનું ગીત આયેગા આનેવાલા સુપરહીટ સાબિત થયું હતું. 1950ના દાયકામાં લતાજીને સફળતા મળી હતી, જ્યારે દિગ્ગજ સંગીતકાર નૌશાદ, સી રામચંદ્ર, શંકર-જયકિશન અને એસડી બર્મનની પહેલી પસંદ બની ગયા હતા.
જીદને કારણે પણ સફળ રહ્યા
લતા મંગેશકરે હિંદી ફિલ્મોમાં જ નહીં અન્ય ભાષાઓમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ એ કદ અને પ્રતિષ્ઠા આશાજીને મળી નહોતી. આશાજીને હંમેશાં બી ગ્રેડની ફિલ્મ અથવા ઓછા બજેટવાળી ફિલ્મમાં કામ મળી રહેતું. એ આર કુરૈશી, સજ્જાદ હુસૈન અને સરદાર મલિક જેવા દિગ્ગજો સાથે કામ કર્યું હતું, પરંતુ મુખ્ય સંગીતકારોથી જોજનો દૂર રહ્યા હતા, પરંતુ આશાજીની જીદ પણ સફળ થવાની હતી. તેમના જીવનના વ્યક્તિગત પડકારો કે અન્ય કારણ પણ સફળતા જોજનો દૂર રહેતી. ગણપતરાવ ભોસલે સાથેના લગ્નજીવનથી પરિવારને મુશ્કેલી પડી તેનાથી આશાજીનું જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી. પારિવારિક સંઘર્ષને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. પણ કહેવાય છે કે દરેક મુશ્કેલીનો અંત હોય છે અને એમ જ બન્યું.
ઓપી નૈયર અને એસડી બર્મન સાથે જોડાયા અને
આશાજીના જીવનમાં ઓપ નૈયર અને એસડી બર્મન જેવા સંગીતકારોની એન્ટ્રીથી જીવન અને કારકિર્દી પલટાઈ. આશાજીની કારકિર્દી માટે ગોલ્ડન પિરિયડ શરુ થવાનો આરંભ હતો. હાવડા બ્રિજ આઈયે મહેરબાન, આઓ હુજુર તુમકો, કજરા મોહબ્બત વાલા (કિસ્મત), મેરે સનમનું યે હૈ રેશ્મી જુલ્ફો કા અંધેરા ગાઈને છવાઈ ગયા. ઓપી નૈયરની સાથે 60 ફિલ્મોમાં 300થી વધુ ગીત ગાયા અને અમુક સુપરહીટ પણ રહ્યા હતા. એ પછી બહેન લતાજીને પગલે પગલે નહીં, પરંતુ હટકે ગીતો ગાઈને નવો ચિલો ચાતરવાનું નક્કી કર્યું. બોલ્ડ અને અલગ અંદાજમાં ગીતો ગાવાનું શરુ કર્યું અને નવા અવાતરમાં જોવા મળ્યા આશાજી પંચમદા સાથે.
પંચમ દા પછી ખય્યામએ પણ આશાજીનો અવાજ પસંદ કર્યો
એસ ડી બર્મનદા સાથે કામ કરતા ભેટો થયો આરડી બર્મન સાથે. આશાજીની મુલાકાત આરડી બર્મન સાથે થઈ. પોતાનાથી મોટી ઉંમરના એસડી બર્મન અને નાની ઉંમરના આરડી બર્મન સાથે કામ કરતા સફળતા નક્કી હતી, પરંતુ પોતાની જિંદગીમાં પંચમદાનું સ્થાન નક્કી કર્યું. બંનેના મ્યુઝિકને કારણે પર્સનલ અને પ્રોફેશન લાઈફમાં ચાર ચાંદ લાગ્યા. હમે રામ હરે કૃષ્ણા (દમ મારો દમ) કારવા (પિયા તુ અબ તો આજા) ગીતોએ આશાજીને કેબરે ક્વીન અથવા એક આધુનિક વેસ્ટર્ન વાઈબવાળા ગાયિકા તરીકે સ્થાપિત કર્યાં. આરડી બર્મન પછી દિગ્ગજ સંગીતકાર ખય્યામે પણ આશાજીને પસંદ કર્યાં. પાકિઝા, ઉમરાવ જાન માટે આશાજીને તૈયાર કર્યાં ઈતિહાસ રચ્યો. દિલ ચીઝ ક્યા હૈ, ઈન આંખો કી મસ્તી, યે ક્યાં જગહ હૈ દોસ્તો શાનદાર ગઝલભર્યાં ગીતો આપ્યા અને છવાઈ ગયા. ઉમરાવ જાન માટે ખય્યામ અને આશા ભોસલે બંનેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં.
એઆર રહેમાન સાથે પણ કામ કરીને છવાઈ ગયા આશા ભોસલે
દાયકાઓ પછી દિગ્ગજ સંગીતકાર એઆર રહેમાન સાથે રંગીલા, લગાન, તાલ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા. જૂના ગીતોની રમઝટ વચ્ચે પણ નવા ગીતોના સૂરતાલ સાથે ગીતો ગાઈને લોકોના દિલમાં રાજ કર્યું. સાત-સાત દાયકા સુધી કામકાજ કરીને 12,000થી વધુ ગીત ગાનારા આશાતાઈને લોકો સદીઓ સુધી યાદ રાખશે એ વાતમાં શંકાને સ્થાન નથી.
