મેટ્રોમાં મફત પ્રવાસ: સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજથી મુંબઈગરાઓમાં ભારે મૂંઝવણ

મુંબઈ: છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક મેસેજ વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે કે, મુંબઈમાં ‘યુદ્ધ જેવી સ્થિતિ’ને ધ્યાનમાં રાખીને સરકારે મેટ્રો પ્રવાસ મફત કરવાની તૈયારી કરી છે. જોકે, તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે નકલી (Fake News) છે અને સરકાર દ્વારા આવી કોઈ પણ વિચારણા કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે મુંબઈમાં યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં સુધી મેટ્રો પ્રવાસ મફત રહી શકે છે. વધારેમાં વધારે લોકો સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે તે માટે સરકાર આ નિર્ણય લઈ રહી છે. આ માહિતી ‘સૂત્રો’ દ્વારા મળી હોવાનો દાવો પણ મેસેજમાં કરવામાં આવ્યો છે.
જ્યારે આ સમાચારની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના પરિવહન વિભાગ કે એમએમઆરડીએ (Mumbai Metropolitan Region Development Authority) દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
મુંબઈમાં વર્તમાન પરિસ્થિતિ સામાન્ય છે. શહેરમાં કોઈ પણ પ્રકારની કટોકટી કે યુદ્ધ જેવી સ્થિતિ નથી. વાઈરલ મેસેજમાં ‘યુદ્ધસ્થિતિ’ શબ્દનો પ્રયોગ માત્ર લોકોમાં ઉત્તેજના અને ડર ફેલાવવા માટે કરવામાં આવ્યો હોય તેમ લાગે છે. સામાન્ય રીતે મેટ્રોના ભાડામાં ફેરફાર કે કોઈ પણ સ્કીમની જાહેરાત મેટ્રો વહીવટીતંત્રના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અથવા અખબારી યાદી દ્વારા કરવામાં આવતી હોય છે, જે આ કિસ્સામાં ક્યાંય જોવા મળતી નથી.
મુંબઈ મેટ્રોના સત્તાધિશો દ્વારા આ અગાઉ પણ અનેક વખત એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુસાફરોએ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. મેટ્રો સેવાઓ તેના નિર્ધારિત ભાડા અને સમયપત્રક મુજબ જ કાર્યરત છે.
