કુદરતનો પ્રકોપ: ઓગસ્ટના 1,400 મોત બાદ નેપાળમાં ફરી પૂર હોનારત, ત્રણ પુલ તણાયા અને અનેક ઘરો પર જોખમ
બૂઢી ગંદકી નદીમાં પૂરે મચાવ્યો વિનાશ; ગોરખા જિલ્લાના ગામડાં સંપર્કવિહોણાં થતાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી શરૂ

કાઠમંડુઃ નેપાળમાં ઓગસ્ટ મહિનામાં આવેલા વિનાશક પૂર પછી વધુ એક પૂરે આખા દેશને હચમચાવી નાખ્યો છે. નેપાળમાં બૂઢી ગંદકી નદીમાં ફરી આવેલા પૂરને કારણે સરકારી વસાહતોને નુકસાન થયાના અહેવાલ છે. નદીમાં પૂરને કારણે ગોરખા જિલ્લાના ત્રણ પુલ વહી ગયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું છે કે ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર છના વિસ્તારોમાં પણ પૂરનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે, જ્યારે લોકોને જણાવ્યું છ કે ત્રિશુલી દોભાન સુધી નદી કિનારા નજીક જવું નહીં તેમ જ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ રહેવું. પૂરના પાણી ઓસરી જાય ત્યાં સુધી ઊંચી જગ્યાએ રહેવાની ડિઝાસ્ટર મેનેજમેન્ટે તાકીદ કરી છે, જ્યારે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ત્રણ બ્રિજ પાણીમાં વહી ગયા
નેપાળ પોલીસે જણાવ્યું કે ચુમનુબ્રીના છ મહાનગરપાલિકા અને ચુમલિંગ વચ્ચેના પહાડ અને પથ્થરો તૂટવાને કારણે નદીનો રસ્તો બંધ પડ્યો છે. એના પછી આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. ચુમનુબ્રી ત્રના ન્યાકચેત અને સિર્દિબાસને જોડનારા જૂના પુલ પણ વહી ગયા છે.
ધાર્ચે પાંચમાં માછાખોલા અને કેરૌજાને જોડનારા બીજો સસ્પેન્સન બ્રિજ વહી ગયો છે. માછાખોલાની નીચલી બસ્તીમાં પાંચથી સાત ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ધાર્ચે-ત્રણના સલ્લેરીમાં 20થી 22 ઘરો પર જોખમ તોળાઈ રહ્યું છે. આરુઘાટના વોર્ડ નંબર બે અને ત્રણને જોડનારો બ્રિજ વહી ગયો છે.
ઓગસ્ટમાં 1,400થી વધુ મૃત્યુ
નેપાળમાં 26મી ઓગસ્ટે આવેલા પૂરને કારણે 1,400થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 6,000થી વધુ લોકો ગુમ થયા હતા. આ વિનાશક પૂરને કારણે નેપાળને 1.66 અબજ અમેરિકન ડોલરનું સીધું નુકસાન થયું હતું. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર કૂલ નુકસાન 83 ટકા ઈન્ફ્રાસ્ટ્રકચર માળખા સાથે જોડાયેલ છે. 26 ઓગસ્ટના રસુવા જિલ્લામાં આવેલા પૂરે નુવાકોટ, ધાદિંગ સુધી પહોંચ્યું હતું, જેમાં 281 મેગાવોટ ક્ષમતાવાળા 8 ચાલુ વીજ પ્રોજેક્ટ અને 388 મેગાવોટ ક્ષમતાવાળા ચાર નિર્માણાધીન પ્રોજેક્ટ પ્રભાવિત થયા હતા. ગલ્છી-બેત્રાવતી-રસુવાગઢી રસ્તા અને પૃથ્વી હાઈવે સુધીના હિસ્સાને અસર થઈ હતી. એના સિવાય 48 પુલ અને કાર અવરજવર કરી શકે એવા 38 પુલ તૂટી ગયા હતા.
મદદ માટે માન્યો હતો આભાર
નેપાળના વડા પ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં હિમાલયના વધતા જોખમનો મુદ્દો ઊઠાવ્યો હતો. ઓગસ્ટમાં આવેલા પૂર પછી મદદ કરવા માટે ભારત અને ચીનનો આભાર માન્યો હતો. શાહે કહ્યું હતું કે વધતી ગરમીને કારણે પહાડોની જમીન પીગળી રહી છે અને પહાડો નબળા થઈ રહ્યા છે, જેને કારણે બરફ અને પહાડો તૂટી રહ્યા છે, જેનાથી પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.
