ભાદરવી પૂનમ મહામેળામાં 43 લાખથી વધુ ભક્તોએ કર્યાં માં અંબાના દર્શનઃ બસ સેવાનો 13 લાખ પ્રવાસીએ લાભ લીધો
ભાદરવી પૂનમ મહામેળાનો શનિવારે અંતિમ દિવસ હતો, ત્યારે એક જ દિવસમાં ચાર લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. મહામેળાના સાત દિવસમાં આશરે 43 લાખથી વધુ ભક્તોએ માતાજી દર્શન કર્યા હતા. જોકે, એક જ અંતિમ દિવસે ભંડારામાં 33 લાખથી વધુ રૂપિયાની આવક થઈ હતી. બીજી બાજુ મહામેળા દરમિયાન કુલ 2.16 કરોડ રૂપિયાની રોકડ આવક થઈ છે.
પૂનમના છેલ્લા દિવસે 3.40 લાખ પ્રસાદીના પેકેટ વિતરણ થયા હતા જોકે સાત દિવસના મેળા દરમિયાન કુલ 32.31 લાખ પ્રસાદીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વિશેષ બસ સેવાનો પણ લગભગ 13 લાખ લોકોએ લાભ લીધો હતો. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે પણ જય અંબેના નાદ સાથે અંબાજી ધામ ભક્તિમય બન્યું હતું.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કુલ ૩૦,૦૦૦ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જીએસઆરટીસી દ્વારા શ્રદ્ધાળુઓની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ વિશેષ બસ સેવાઓનો વ્યાપક પ્રતિસાદ મળતા કુલ ૧૩.૦૪ લાખ મુસાફરોએ આ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ મેળવ્યો હતો.
શ્રદ્ધાળુઓની આ વિશાળ સંખ્યા દર્શાવે છે કે નાગરિકોમાં જીએસઆરટીસીની સેવાઓ પરનો ભરોસો કેટલો મજબૂત છે. મુસાફરોની આ ભીડ અને ઉત્સાહપૂર્ણ સહકારને લીધે નિગમને આ સાત દિવસના ટૂંકા ગાળામાં રૂ. ૯.૫૧ કરોડની આવક થઈ છે. નિગમની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે લાખો મુસાફરો સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા હતા.
રાજ્યભરમાંથી અંબાજી પહોંચતા માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા સુચારૂ આયોજન કરીને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. ડેપ્યુટી સીએમના નેતૃત્વ અને જીએસઆરટીસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની નિષ્ઠાવાન મહેનતને પરિણામે આ ભવ્ય મેળાનું પરિવહન આયોજન સંપૂર્ણપણે સફળ રહ્યું છે. મુસાફરોની સુરક્ષા, સમયપાલન અને ઉત્તમ સેવાનું પાલન કરીને જીએસઆરટીસીએ ફરી એકવાર લોકઉપયોગી સંસ્થા તરીકે પોતાની પ્રતિષ્ઠાને ઉજ્જવળ કરી છે.
