રિઝર્વેશનની 40 વર્ષ જૂની સિસ્ટમ બદલાશેઃ તારીખ નોંધી લેજો, AI જણાવશે વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં
AI ટેકનોલોજી અને ઓનલાઈન ટિકિટિંગ દ્વારા રેલવે મુસાફરી બની વધુ સરળ અને હાઈટેક

નવી દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવે જનતાની જાહેર પરિવહન માટે લાઈફલાઈન ગણાય છે, જેમાં સમયાંતરે ફેરફાર અને સિસ્ટમને અપગ્રેડ કરાય છે, ત્યારે ૧૯૮૬માં શરૂ થયેલી આ પ્રણાલીમાં છેલ્લા ૪૦ વર્ષોમાં અનેક નાના-મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ હવે તેમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં ધરમખ ફેરફાર સાથે ઓગસ્ટમાં શિફ્ટ કરવામાં આવશે. જોકે, આ વખતે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી પડે નહીં એના નિર્દેશ પણ કરવામાં આવ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રેલવે આરક્ષણ પ્રણાલીએ અનેક મહત્વપૂર્ણ તબક્કાઓ જોયા છે. વર્ષ ૨૦૦૨માં ભારતીય રેલવેએ ટિકિટિંગમાં ઇન્ટરનેટનો પ્રયોગ શરૂ કર્યો હતો. આજે આ પ્રણાલી એટલી લોકપ્રિય છે કે દેશની મોટાભાગની વસ્તી હવે ટિકિટ બારી પર જતી નથી. દેશમાં આજે ટિકિટિંગની જેટલી પણ માંગ છે, તેનો મોટો હિસ્સો (લગભગ ૮૮%) ઓનલાઇન માધ્યમથી પૂર્ણ થાય છે.
રેલવન એપની સફળતા
ભારતીય રેલવેની મોબાઈલ એપ ‘રેલવન’ મુસાફરોમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. રેલવન એપની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી. એક વર્ષથી પણ ઓછા સમયમાં દેશભરમાં અત્યાર સુધીમાં ૩.૫ કરોડ ડાઉનલોડ્સ થઈ ચૂક્યા છે. આ એપ લોકપ્રિય થવાના અનેક કારણોમાં સૌથી મોટું કારણ એ છે કે, આ એપ દેશના સામાન્ય માણસને રેલવે સંબંધિત તમામ માહિતી તો આપે જ છે, સાથે સાથે ટિકિટિંગ અને અન્ય સેવાઓ સાથે જોડાયેલી તેમની ફરિયાદોનું પણ નિવારણ કરે છે.
ડાઉનલોડ્સ અને વપરાશના આંકડા
દરરોજ આ એપ દ્વારા દેશભરમાં ૯.૨૯ લાખ ટિકિટો બુક થઈ રહી છે. જેમાં ૭.૨ લાખ ટિકિટો અનારક્ષિત અને અન્ય ૨.૦૯ લાખ આરક્ષિત ટિકિટો છે. અનારક્ષિત ટિકિટોમાં પ્લેટફોર્મ ટિકિટનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રોઇડ અને iOS પર રેલવન એપને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યાં ૩ કરોડ ૧૬ લાખ લોકોએ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે, તો બીજી તરફ ૩૩.૧૭ લાખ લોકોએ તેને એપલ ફોનમાં ડાઉનલોડ કરી છે. તમારી મુસાફરી દરમિયાન તમે રેલવન એપ પર ભોજન પણ ઓર્ડર કરી શકો છો. આ એપ તમને એવો વિકલ્પ આપે છે કે તમારી સીટ સુધી તમારું મનપસંદ ભોજન પહોંચી શકે. આરામદાયક અને સેવાલક્ષી સુવિધાઓથી સજ્જ આ રેલવન એપ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.
અહીં એ જણાવવાનું કે દેશમાં મુસાફરો માટે ભારતીય રેલવે એક જીવનરેખા સમાન છે. ભારતીય રેલવેએ ૨૦૨૪-૨૫માં મુસાફરોની ટિકિટો પર ૬૦,૨૩૯ કરોડ રૂપિયાની સબસિડી આપી છે. આ રેલવેમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિને સરેરાશ ૪૩ ટકા વળતર (ડિસ્કાઉન્ટ) આપવા બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો સેવા પૂરી પાડવાનો ખર્ચ ૧૦૦ રૂપિયા હોય, તો ટિકિટની કિંમત માત્ર ૫૭ રૂપિયા છે.
AI દ્વારા ટિકિટ કન્ફર્મ થવાનું અનુમાન
આજે જ્યારે તમે તમારી ટિકિટ બુક કરો છો, ત્યારે રેલવન એપ તમને જણાવે છે કે તમારી વેઈટિંગ લિસ્ટમાં રહેલી ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. ટિકિટ કન્ફર્મ થવાની ચોક્કસ શક્યતા પણ હવે તમને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના માધ્યમથી રેલવન એપ જણાવવા લાગી છે. આ નવી સુવિધા આ વર્ષની શરૂઆતથી જ લાગુ કરવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રેલવન એપ પર વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થવાના અનુમાનની ચોકસાઈ પહેલાના ૫૩ ટકાથી વધીને હવે ૯૪ ટકા સુધી પહોંચી ગઈ છે.
રેલવન એપમાં આધુનિક સુવિધાઓ છે જેમ કે
. આરક્ષિત (Reserved), અનારક્ષિત (Unreserved) અને પ્લેટફોર્મ ટિકિટનું બુકિંગ.
. ટિકિટ કેન્સલેશન અને રિફંડની પ્રક્રિયા.
. તમારી ટિકિટની વેઈટિંગ સ્થિતિની તાજી જાણકારી.
. ટ્રેન આવવા-જવાનો સમય અને ટ્રેનનું વર્તમાન લોકેશન (Live Status).
. પ્લેટફોર્મ નંબર અને કોચની સ્થિતિ.
