અમેરિકાની મનમાની કે મજબૂરી? વિશ્વ સ્તરે દેશોની સંપત્તિ જપ્ત કરવા પાછળનું અસલી કારણ
અમેરિકાએ બીજા કેટલા દેશોની સંપત્તિ ફ્રીઝ કરી રાખી છે અને આ દેશોમાં મેરા ભારત મહાનનો નંબર છે કે નહીં?

હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ‘ફ્રોઝન એસેટ્સ’નો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ મંત્રણા દરમિયાન ઈરાનના અબજો ડોલરના ફંડને લઈને ઉઠેલાં વિવાદે વૈશ્વિક સ્તરે અમેરિકાના આર્થિક પ્રતિબંધોની તાકાત ફરી સાબિત કરી છે. ચાલો જોઈએ અમેરિકાએ બીજા કેટલા દેશોની સંપત્તિ ફ્રીઝ કરી રાખી છે અને આ દેશોમાં મેરા ભારત મહાનનો નંબર છે કે નહીં?
જગતનો અમેરિકા અત્યારે વિશ્વના 20થી વધુ દેશો પર નાણાકીય પ્રતિબંધો લાદી રહ્યું છે. આ પ્રતિબંધો હેઠળ તે સરકારી સંપત્તિ જપ્ત કરવી, બેંક ખાતાઓ પર રોક લગાવવી અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો અટકાવવા જેવી કડક કાર્યવાહી કરે છે. ચાલો જાણીએ કયા દેશોની કેટલી સંપત્તિ પર અમેરિકાનું છે નિયંત્રણ…
રશિયા: યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયન સેન્ટ્રલ બેંકના લગભગ 300 અબજ ડોલરના રિઝર્વને ફ્રીઝ કરી દીધા છે.
ઈરાન: ઈરાન સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. વૈશ્વિકસ્તરે તેની 120 અબજ ડોલરની સંપત્તિ ફ્રીઝ છે, જેમાંથી 2 અબજ ડોલર તો સીધા અમેરિકામાં જમા છે.
અફઘાનિસ્તાન: તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાન સેન્ટ્રલ બેંકના 7 અબજ ડોલરથી વધુનું ફંડ અટકાવી દેવામાં આવ્યું છે.
અન્ય દેશો: ઉત્તર કોરિયા, વેનેઝુએલા (સોનાના અનામત સહિત), લિબિયા, સીરિયા, ક્યુબા અને સુદાન જેવા દેશો પણ લાંબા સમયથી અમેરિકાના આર્થિક સકંજામાં છે.
ભારત પર શું છે અસર?
ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર હોવાથી તેની નાણાકીય વ્યવસ્થા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, કેટલીક મર્યાદિત કાર્યવાહીઓ જોવા મળી છે. 2023માં રશિયન આયાત સાથે જોડાયેલી કેટલીક ભારતીય હીરા કંપનીઓના 26 મિલિયન ડોલર ફ્રીઝ કરાયા હતા. આ ઉપરાંત, 2025માં ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ કેટલીક વિદેશી સહાય નિધિઓ કામચલાઉ ધોરણે રોકવામાં આવી હતી.
