100 વર્ષ જીવવું છે? તો આજથી જ આહારમાં સામેલ કરો આ ‘સુપરફૂડ’
કઠોળ અને દાળ (Beans and Pulses) એ ભારતીય થાળીનો એક અભિન્ન ભાગ છે, પરંતુ શું તમે જાણો છો કે દાળ અને કઠોળ એ માત્ર ખોરાક નથી પણ એક ‘સુપરફૂડ’ છે? એક એવું સુપરફૂડ કે જે લાંબી અને હેલ્થી લાઈફ સ્ટાઈલ માટે ખૂબ જ જરૂરી તેમ જ મહત્વનો છે કે પછી આયુષ્યની ચાવી બની શકે છે? ચાલો આજે આપણે સ્ટોરીમાં આ વિશે વાત કરીશું…
એક અભ્યાસ અને હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ભોજનમાં કઠોળ અને દાળનો સમાવેશ કરવાથી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. ઘણા ‘બ્લુ ઝોન્સ’ કે જ્યાં લોકો 100 વર્ષથી વધુ જીવે છે એમના પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ત્યાંના લોકોના આહારમાં કઠોળ-દાળનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જે પ્રોટીન, ફાઈબર અને આવશ્યક વિટામિન્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
હાર્ટને રાખે હેલ્ધીઃ કઠોળમાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ધમનીઓમાં જામતા પ્લાકને રોકે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
ડાયાબિટીસમાં આપે રાહતઃ દાળનો ‘ગ્લાયસેમિક ઈન્ડેક્સ’ ઓછો હોય છે, જેનો અર્થ એવો થાય છે કે તે લોહીમાં ખાંડનું સ્તર અચાનક વધવા દેતું નથી. આ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે.
ડાયજેશન અને વજન ઘટાડવામાં કરે છે મદદ: ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કઠોળ પાચનતંત્રને સાફ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
કેન્સર સામે આપે છે રક્ષણ: કઠોળમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ શરીરના કોષોને નુકસાન થતા અટકાવે છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે કોઈ એક ચોક્કસ પ્રકારની દાળને બદલે ભોજનમાં ચણા, વટાણા, મગ, મસૂર અને રાજમા જેવા વિવિધ કઠોળનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ સિવાય કઠોળને રાંધતા પહેલા પલાળી રાખવાથી તે સરળતાથી પચી જાય છે અને ગેસની સમસ્યા થતી નથી. માંસાહાર વગર પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે કઠોળ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરીને તેમની આવરદા પણ ચોક્કસ વધારજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
