દેશમાં ગેસની કોઈ અછત નથી, જાણો કોણે કરી આવી જાહેરાત? કેવી રીતે તમારા કિચન સુધી પાઈપલાઈનમાં પહોંચે છે ગેસ…
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે દુનિયાભરના વિવિધ દેશઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર એલપીજી (LPG)ની અછતની અફવાઓને કારણે નાગરિકો ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા છે. જોકે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની સપ્લાયમાં કોઈ જ અછત નથી. એમાં પણ ખાસ કરીને પીએનજી (PNG – Pipe Natural Gas)નો ઉપયોગ કરતી ગૃહિણીઓ માટે આ રાહતના સમાચાર છે.
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા હાલમાં જ બોલાવવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતાં કરતાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં લગભગ 25,000 એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી ક્યાંય પણ સ્ટોક ખતમ થયો હોવાની રિપોર્ટ સામે આવ્યા નથી. ગેસ સપ્લાય કોઈપણ પ્રકારના અવરોધ વિના ચાલુ છે. એમાં પણ ખાસ કરીને પીએનજી (PNG) અને સીએનજી (CNG)ની સપ્લાય પણ સુરક્ષિત છે.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જો મિડલ ઈસ્ટમાં જોવા મળતી યુદ્ધની સ્થિતિને કારણે ગેસની અછત સર્જાઈ રહી છે તો આવી સ્થિતિમાં પાઈપલાઈન દ્વારા આવતો ગેસ બંધ થઈ જશે? ચાલો આ સવાલનો જવાબ પણ જાણી લઈએ. એલપીજી સિલિન્ડરની જેમ પીએનજીને ઘરમાં સ્ટોર કરવાની જરૂર નથી. તે પાણીની પાઈપલાઈન જેવા નેટવર્ક દ્વારા સીધો તમારા રસોડા સુધી પહોંચે છે.
પીએનજી ગેસ એ જમીન નીચેથી કાઢવામાં આવેલો નેચરલ ગેસ (જેમાં મુખ્યત્વે મિથેન) છે, જેને પ્રોસેસિંગ કર્યા પછી ‘હજીરા-વિજયપુર-જગદીશપુર’ જેવી વિશાળ પાઈપલાઈન દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં ગેસ 24 કલાક ઉપલબ્ધ રહે છે, તેથી ગ્રાહકોએ ઘરે ગેસ ભરવા માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સિલિન્ડર રાખવાની જરૂર પડતી નથી.
વાત કરીએ સુરક્ષાની દ્રષ્ટિએ કયો ગેસ સારો છે તો સુરક્ષાની દ્રષ્ટિએ પીએનજી સિસ્ટમ અત્યંત આધુનિક છે. આ ગેસ તમારા ઘર સુધી પહોંચે એ પહેલાં ‘સિટી ગેટ સ્ટેશન’ પર તેનું પ્રેશર ઘટાડવામાં આવે છે. આ પ્રેશર રેગ્યુલેશન સિસ્ટમ જ કોઈ પણ મોટી દુર્ઘટનાને રોકે છે અને ગેસ સપ્લાયને જાળવી રાખે છે.
ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક છે?
ગભરાવાની કે પેનિક બાઈંગ (Panic Buying) કરવાની કોઈ જરૂર નથી કારણ કે ભારતનો ઉર્જા ભંડાર સુરક્ષિત છે. ભારત પાસે હાલમાં 74 દિવસ સુધી ચાલે તેટલું કાચું તેલ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો સ્ટોક છે. ભારત સરકારે 25 દિવસનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ અને ઓઈલ કંપનીઓ પાસે 25 દિવસનો વધારાનો સ્ટોક રાખી મૂક્યો છે. બીજા શબ્દોમાં કહેવાનું થાય તો કુલ 50 દિવસનો એલપીજીનો સ્ટોક તો ખાસ બેકઅપ તરીકે જ રાખવામાં આવ્યો છે.
