ઉન્નાકોટી: ત્રિપુરાનું એ રહસ્યમયી સ્થળ કે જ્યાં પથ્થરો પણ બોલી ઉઠે છે…
જો તમે ઈતિહાસ, આર્કિટેક્ચર અને કુદરતી રહસ્યોના શોખીન હોવ, તો ત્રિપુરાના ઉન્નાકોટી જિલ્લામાં આવેલું આ સ્થળ તમારા બકેટ લિસ્ટમાં ચોક્કસ હોવું જ જોઈએ કે પછી હશે પણ ખરું. પરંતુ જે લોકોને આ સુંદર અને સ્વર્ગની અનુભૂતિ કરાવતા સ્થાન વિશે નથી ખબર તેઓ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જશે તો તેઓ પણ ચોક્કસ એક વખત આ સુંદર સ્થળની મુલાકાત લેવાની લાલચ રોકી શકશે નહીં. ત્રિપુરાના પાટનગર અગરતલાથી લગભગ 178 કિમી દૂર આવેલું ઉન્નાકોટી એ ભારતની સૌથી મોટી ‘રોક-કટ’ શિલ્પકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સિવાય આ લેખમાં આપણે આ શબ્દના અર્થ અને ત્યાં કઈ રીતે પહોંચી શકાય, કયા સમયે જવું જોઈએ એ વિશે વિસ્તારથી વાત કરીશું.

નામ પાછળનું રસપ્રદ રહસ્ય
‘ઉન્નાકોટી’ શબ્દના અર્થ વિશે વાત કરીએ તો આ શબ્દનો અર્થ થાય છે ‘એક કરોડમાં એક ઓછું’ (નવ્વાણું લાખ, નવ્વાણું હજાર નવસો નવ્વાણું). બંગાળી અને સંસ્કૃતમાં આનો અર્થ સ્પષ્ટ થાય છે. એક ખૂબ જ પ્રચલિત લોકવાયકા અનુસાર ભગવાન શિવ એક કરોડ દેવી-દેવતાઓ સાથે કાશી જઈ રહ્યા હતા. એ સમયે દેવતાઓએ અહીં રાત્રિ રોકાણ કર્યું હતું અને ભગવાન શિવજીએ બધાને સૂર્યોદય પહેલા જાગવાની સૂચના આપી હતી, પરંતુ સવારે માત્ર શિવજી જ જાગ્યા, બાકીના બધા સૂતા રહ્યા. ક્રોધિત થઈને ભગવાન શિવજીએ તમામ દેવોને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો, આ જ કારણ છે કે અહીં 99,99,999 શિલ્પો જોવા મળે છે.

ઉન્નાકોટીશ્વર કાલ ભૈરવ
વાત કરીએ ઉન્નાકોટ્ટીના મુખ્ય આકર્ષણની તો અહીંનું મુખ્ય આકર્ષણ એટલે ભગવાન શિવજીનું વિરાટ શિલ્પ, જેને લોકો ‘ઉન્નાકોટીશ્વર કાલ ભૈરવ’ તરીકે ઓળખે છે. આ મૂર્તિ લગભગ ૩૦ ફૂટ ઊંચી છે. તેની જટાઓમાં ગંગાજી વહેતા હોય તેવું કોતરકામ કરવામાં આવ્યું છે. તેની આસપાસ ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ અને અન્ય દેવતાઓના શિલ્પો પણ અત્યંત આકર્ષક છે.

કળા અને સ્થાપત્યનો અદ્ભૂત સંગમ
ઉન્નાકોટ્ટીમાં જોવા મળતાં આ વિશાળકાય શિલ્પો આઠમી કે નવી સદીના હોવાનું કહેવાય છે. પર્વતોના ખડકોને જે બારીકાઈથી કોતરવામાં આવ્યા છે એ જોઈને મનમાં એક સવાલ ચોક્કસ જ થાય કે એ જમાનામાં આટલી ઊંચાઈએ આટલું સુંદર કામ કેવી રીતે શક્ય બન્યું હશે? ચોમાસા દરમિયાન જ્યારે પહાડો પરથી વોટર ફોલ આ શિલ્પો પર પડે છે, ત્યારે દે મનોરમ દ્રશ્યો જોવા મળે છે તે એકદમ અલૌકિક લાગે છે.
કઈ રીતે પહોંચશો?
બાય એર: નજીકનું એરપોર્ટ અગરતલા છે.
બાય ટ્રેન: નજીકનું રેલવે સ્ટેશન કુમારઘાટ (Kumarghat) છે, જે ઉન્નાકોટીથી ૨૦ કિમી દૂર છે.
બાય રોડ: અગરતલા કે કૈલાશહર (Kailashahar)થી ટેક્સી કે બસ દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે.
બેસ્ટ ટાઈમ ટુ વિઝિટઃ
વાત કરીએ અહીંની મુલાકાત લેવાના બેસ્ટ ટાઈમ વિશે તો ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે. એપ્રિલ મહિનામાં અહીં ‘અશોકાષ્ટમી’ નો મોટો મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જો તમે પણ ઉન્નાકોટીની મુલાકાત લેવા માંગતા હોવ તો આ સમયગાળો તમારા માટે એકદમ બેસ્ટ ટાઈમ સાબિત થશે 100 ટકા ગેરેન્ટેડ…
