સેલ્ફી લેવાનો આંધળો મોહ હોય તો વાંચી લો આ સમાચાર તમારે માટે…
રાજકોટમાં વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેવાના મોહમાં બે પરપ્રાંતીય મજૂરોએ જીવ ગુમાવ્યો.
ગુજરાતમાં એક અજબ પ્રકારના અકસ્માતમાં બે મજૂરના મોત થયા હતા. રેલવે ટ્રેક પરથી પસાર થનારી ટ્રેનની સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મજૂર જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા હતા. એના સિવાય વધુ એક કિસ્સો એવો પણ જોવા મળ્યો છે કે બહેન મોબાઈલ જોવામાં મસ્ત હતા અને પાછળથી વાહને જોરદાર ટક્કર મારી હતી.
રાજકોટમાં રેલવે ટ્રેક નજીક સેલ્ફી લેવા જવાનું ત્રણ મજૂરને ભારે પડ્યું હતું. સેલ્ફી લેવા જતી વખતે વંદે ભારત ટ્રેનની ચપેટમાં બે મજૂરના મોત થયા હતા, જ્યારે એક મજૂરને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસના જણાવ્યાનુસાર ટ્રેનથી થોડા અંતરે ટ્રેક પરથી સેલ્ફી લેવા જતા અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે લોકોને રેલવે ટ્રેક નજીક સેલ્ફી નહીં લેવા તેમ જ ટ્રેક ક્રોસ નહીં કરવાની અપીલ કરી છે.
આ અકસ્માત સોમવારે બપોરના 4.45 વાગ્યાના સુમારે ભક્તિનગર અને રિબ્ડા સ્ટેશન વચ્ચેના રેલવે ક્રોસિંગ નજીક થયો હતો. વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેન ક્રોસિંગ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. રેલવે ટ્રેક નજીકથી ત્રણેક યુવાન સેલ્ફી લેવા જતા હતા, ત્યારે ત્રણેય જણ અકસ્માતનો ભોગ બન્યા હતા.
રેલવે પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું હતું કે એક યુવકનું મોત થયું હતું, જ્યારે બે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું હતું. ત્રણેય જણની ઓળખ કરવામાં આવી છે, જેમાં મૃતકમાં સંદીપ પટેલ અને સંદીપ કોળી તરીકે કરી છે, જ્યારે ઘાયલ યુવકનું નામ કપિલ પટેલ છે. જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જ્યારે ત્રણેય રાજકોટની ફેક્ટરીમાં મજૂરીનું કામ કરતા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ યુવાન પોતાના મિત્રને રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતા, જે પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યાંથી પરત ફરતા રેલવે ટ્રેક પરથી સેલ્ફી લેવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે જીવલેણ નિવડ્યું છે. આ અકસ્માત પછી ટ્રેનને થોડા સમય માટે ક્રોસિંગ નજીક રોકવામાં આવી હતી, જ્યારે અકસ્માત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અંગે રેલવે પ્રશાસનને કહ્યું હતું કે રેલવે ટ્રેક નજીક સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ.
