અજિત પવારના પ્લેન ક્રેશ પછી વધુ એક પ્લેન અકસ્માતમાં 15 લોકોનાં મોત
મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં પાંચ લોકોના મોત પછી હવે કોલમ્બિયા અને વેનેઝુએલા સરહદ નજીક એક પ્લેન ક્રેશમાં પંદર લોકોનાં મોત થયા છે. સરહદ નજીક સતેના એરલાઈનનું એક કમર્શિયલ વિમાન ક્રેશ થયું, જેમાં પંદર લોકોનાં મોત થયા છે. પ્લેન ટેકઓફ થયાની ગણતરીની મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું. કોલમ્બિયા અને વેનેઝુએલા બોર્ડર પર ક્રેશ થયેલું પ્લેન કુકુટાથી ઉડાન ભરીને ઓકોના જઈ રહ્યું હતું.
મૃતક પેસેન્જરમાં સાંસદનો સમાવેશ
સરકારી અને એરલાઈનના અધિકારીઓએ કહ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન Beechacraft 1900D હતું, જેમાં 13 પ્રવાસી અને બે ક્રૂ મેમ્બર હતા. મૃતક પેસેન્જરમાં એક સાંસદનો પણ સમાવેશ થાય છે. આગામી ચૂંટણીમાં ભાગ લેનારા એક નોમિનેટેડ ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.
13 પ્રવાસી સહિત બે ક્રૂના મૃત્યુ
આ વિમાન કોલમ્બિયાના નોર્ટે ડી સેન્ટેડર વિસ્તારના કુકુટા શહેરથી ઉડાન ભરી હતી અને બપોરના ઓકોના જવાના હતા, પરંતુ લેન્ડિંગના થોડા સમય પછી વિમાન એર ટ્રાફિક કંટ્રોલથી અચાનક સંપર્ક તૂટ્યો હતો. લાંબા સમય સુધી વાતચીત યા સંપર્ક નહીં થયા પછી શોધ ચલાવવામાં આવી હતી, જેમાં સર્ચ ઓપરેશનમાં વિમાનનો કાટમાળ મળ્યો હતો. વિમાનમાં 13 પ્રવાસી અને બે ક્રૂ મેમ્બરનાં મોત થયા હતા. આ ફલાઈટ સતેના 8895 નામથી ઓળખાતું હતું.
વિમાનમાં કોલમ્બિયાના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ સભ્ય ડિયોજેનેસ ક્વિન્ટરો અને ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. બંને નેતાઓ પોતાની ટીમ સાથે પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. આ અકસ્માતના સમાચારને લઈ કોલમ્બિયામાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. સ્થાનિક વિધાનસભ્ય વિલમર કેરિલોએ શોક વ્યક્ત કર્યો હતો. રાહત અને બચાવ કામગીરીમાં મૃતકોની ઓળખ કરી હતી, જ્યારે પીડિતના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
દુર્ઘટનાસ્થળ દૂર અંતરિયાળ અને પર્વતીય વિસ્તારમાં હોવાથી બચાવ કામગીરી હાથ ધરવામાં વિલંબ થયો હતો. ગીચ જંગલોને કારણે વાતાવરણમાં ગમે ત્યારે ફેરફાર થવાથી બચાવ કામગીરીમાં તકલીફ પડી હતી. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે અનેક પડકારોને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.
